ગુજરાતના MSME ક્ષેત્રને ધિરાણમાં મોટી ગતિ, વર્ષ 2025-26માં બેન્કોએ આપ્યા રૂ.3.79 લાખ કરોડ

નિર્ધારિત લક્ષ્યાંક સામે 122.07% સિદ્ધિ; રાજ્યમાં 33 લાખથી વધુ MSME નોંધાયેલા, લૉન માટે ડિજિટલ અરજીની સુવિધાથી પ્રક્રિયા બની સરળ

ગુજરાતના MSME ક્ષેત્રને ધિરાણમાં મોટી ગતિ, વર્ષ 2025-26માં બેન્કોએ આપ્યા રૂ.3.79 લાખ કરોડ

ગાંધીનગર તા.29
દર વર્ષે 30 ઓગસ્ટે ઉજવાતા ‘રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ’ના અવસરે ગુજરાતના MSME ક્ષેત્રની નાણાકીય સ્થિતિને લઈને મહત્વપૂર્ણ આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને મજબૂત બનાવવા રાજ્ય સરકારના પ્રયાસોની સાથે બેન્કિંગ ક્ષેત્ર દ્વારા આપવામાં આવતા ધિરાણમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.
રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિ, ગુજરાત (SLBC)ના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન MSME ક્ષેત્ર માટે રૂ.3,10,917 કરોડના ધિરાણનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો હતો. તેની સામે બેન્કોએ રૂ.3,79,535 કરોડનું ધિરાણ આપ્યું છે. આમ, નિર્ધારિત લક્ષ્યાંકની 122.07 ટકા સિદ્ધિ નોંધાઈ છે. લક્ષ્યાંક કરતાં રૂ.68,618 કરોડ વધુ ધિરાણ MSME એકમોને મળ્યું હોવાનું આંકડા દર્શાવે છે.
ગુજરાત દેશના અગ્રણી MSME રાજ્યોમાં સ્થાન ધરાવે છે અને રાજ્યમાં 33 લાખથી વધુ MSME એકમોએ ઉદ્યમ પોર્ટલ પર નોંધણી કરાવી છે. રાજ્યમાં નાના અને મધ્યમ ઉદ્યોગો રોકાણ અને ઉદ્યોગસાહસિકતાની સાથે મોટા પાયે રોજગારી સર્જનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. બેન્કિંગ સપોર્ટ અને સરકારની વિવિધ પ્રોત્સાહક યોજનાઓ આ ક્ષેત્રની નાણાકીય પહોંચ વધારવામાં મદદરૂપ બની રહી છે.
MSME એકમો માટે ધિરાણ મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા વર્ષ 2025થી નવી કૉમ્પ્યુટર આધારિત ‘ક્રેડિટ એસેસમેન્ટ મોડલ’ વ્યવસ્થાનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. આ વ્યવસ્થામાં માત્ર પરંપરાગત કાગળની કાર્યવાહી પર આધાર રાખવાને બદલે વ્યવસાયના ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે લૉન માટેની યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે.
આ સિસ્ટમ KYC, મોબાઇલ નંબર અને ઈમેલ, GST ફાઇલિંગ, બેન્ક સ્ટેટમેન્ટ, આવકવેરા રિટર્ન, ક્રેડિટ હિસ્ટ્રી સહિતની ઉપલબ્ધ ડિજિટલ માહિતીનું વિશ્લેષણ કરે છે. તેના આધારે વ્યવસાયની નાણાકીય સ્થિતિ અને લૉન ચુકવવાની ક્ષમતાનું મૂલ્યાંકન કરીને કેટલું ધિરાણ આપી શકાય તેનો નિર્ણય લેવામાં મદદ મળે છે.
નવી વ્યવસ્થાનો મહત્વનો લાભ એ છે કે MSME ઉદ્યોગકારો ફોન અથવા કૉમ્પ્યુટર દ્વારા લૉન માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તેના કારણે બેન્કની વારંવાર મુલાકાત અને વધુ પડતા પેપરવર્કની જરૂરિયાત ઘટે છે. કેટલાક કિસ્સામાં ઇન-પ્રિન્સિપલ મંજૂરી પણ ઝડપી મળી શકે છે. CGTMSE જેવી સરકારી યોજનાઓના સંકલનથી પાત્ર નાના વ્યવસાયોને ગીરો વગર ધિરાણ મેળવવામાં પણ મદદ મળી શકે છે.
દરમિયાન, ગાંધીનગરમાં તાજેતરમાં યોજાયેલી સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી (SLBC)ની 190મી બેઠકની અધ્યક્ષતા કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેન્કિંગ ક્ષેત્રની ભૂમિકાને મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત વિશ્વની ત્રીજી મોટી આર્થિક સત્તા બનવા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આ સફરમાં બેન્કિંગ ક્ષેત્રની મહત્વપૂર્ણ જવાબદારી રહેશે.
મુખ્યમંત્રીએ બેન્કિંગ ક્ષેત્રને ‘ક્રેડિટ ટુ લાસ્ટ માઇલ’ના અભિગમ સાથે MSME, મહિલા ઉદ્યોગકારો, ગ્રામીણ કારીગરો, નાના ખેડૂતો સહિત સમાજના છેવાડાના વર્ગો સુધી સરળતાથી ધિરાણ પહોંચાડવા માટે પણ આહવાન કર્યું હતું.