ઉનાની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આખલા યુદ્ધ : દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો

ઉનાની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આખલા યુદ્ધ : દર્દીઓમાં ભયનો માહોલ સર્જાયો

ઉના, તા.3
ઉનાની સરકારી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં રાત્રિના સમયે બે આખલાઓ બાખડ્યા હતા. જેથી ભારે નાસભાગ મચી ગઈ હતી. જેના કારણે ભયનો માહોલ સર્જાયો હતો.
આ ઘટના હોસ્પિટલના કમ્પાઉન્ડમાં શરૂ થઈ હતી, જ્યાં બે આખલા લડી રહ્યા હતા. આ યુદ્ધ એટલું ભયાવહ હતું કે, કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા કેટલાક વાહનોને પણ નુકસાન થયું હતું. આખલાઓના આક્રમક વર્તનથી લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી.
આખલા યુદ્ધ દરમ્યાન, એક આખલો હોસ્પિટલના પ્રવેશદ્વારથી અંદર પ્રવેશી ગયો અને સીધો એક તબીબની ચેમ્બર સુધી પહોંચી ગયો હતો. સદનસીબે, ચેમ્બર બંધ હોવાથી કોઈ મોટી દુર્ઘટના ટળી હતી. હોસ્પિટલની અંદર આખલાને જોઈને દર્દીઓ અને તેમના સગા-સંબંધીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. મહામુસીબતે આખલાને હોસ્પિટલમાંથી બહાર કાઢી કમ્પાઉન્ડ તરફ ધકેલવામાં આવ્યો હતો, ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ મામલે ચીફ ઓફિસર જે.જે.ચોહાણનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે, આખલાઓના ત્રાસથી શહેરીજનોને મુક્તિ મળે એ માટે નગરપાલિકા દ્વારા ટીમ બનાવામાં આવશે. જે બાદ આખલાને પાંજરાપોળની ગૌશાળામાં મૂકવામાં આવશે.