દિલ્હીમાં ભીષણ અગ્નિકાંડ : 21 લોકો જીવતા ભડથુ

માલવીયનગર વિસ્તારમાં આવેલી હોટલમાં આજે સવારે ભયાનક આગ ફાટી નીકળતા બહુમોટી કરૂણાંતિકા સર્જાઈ : મૃતકોમાં કેટલાક વિદેશી નાગરીકોનો પણ સમાવેશ : હોટલ પાસે માત્ર 6 રૂમ બનાવવાની પરમીશન હતી ગેરકાયદેસર રીતે 25 રૂમ ખડકી દેવાયા હતા

દિલ્હીમાં ભીષણ અગ્નિકાંડ : 21 લોકો જીવતા ભડથુ

(એજન્સી)            નવી દિલ્હી તા.3
દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં આવેલા ‘લેમન ગ્રીન રેસ્ટોરન્ટ‘માં આજે સવારે લાગેલી ભીષણ આગને કારણે બહું મોટી કરૂણાંતિકા સર્જાઈ છે. આ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 21 લોકો જીવતા ભડથુ થઈ ગયા હોવાના અહેવાલો છે. મૃતકોમાં કેટલાક વિદેશી નાગરીકો હોવાનું પણ જાણવા મળેલ છે.
ફાયર વિભાગને સવારે લગભગ 9:00 વાગ્યે આગ લાગવાની માહિતી મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા તરત જ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
ફાયર ફાઈટર્સ દ્વારા બિલ્ડિંગના બેઝમેન્ટમાંથી ત્રણ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યારબાદ મૃત્યુઆંક વધીને 21 પર પહોંચતા સમગ્ર વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે.
હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. ફાયર વિભાગની ટીમ આગ પર કાબૂ મેળવ્યા બાદ તપાસ હાથ ધરશે કે શોર્ટ સકિર્ટ કે અન્ય કોઈ કારણોસર આ દુર્ઘટના સર્જાઈ હતી.
આગની જાણ થતા જ ફાયર વિભાગની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ટોરન્ટના બેઝમેન્ટમાં ફસાયેલા 37 લોકોને અત્યાર સુધીમાં બચાવી લેવામાં આવ્યા છે અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. દરમ્યાનમાં આ ભીષણ અગ્નીકાંડ અંગે વધુમાં પ્રાપ્ત વિગત મુજબ રેસ્ટોરન્ટ પાસે માત્ર 6 રૂમ બનાવવાની પરમીશન હતી તેના બદલે ગેરકાયદેસર રીતે 25 રૂમ ખડકી દેવામાં આવ્યા હતા. આ ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ અને આઘાતની લાગણી વ્યક્ત કરી છે. તેમજ વડાપ્રધાન રાહત નિધીમાંથી મૃતકોના પરિવારજનોને રૂા.2 લાખ અને ઈજાગ્રસ્તોને રૂા.50,000 સહાય આપવાની જાહેરાત કરી છે.