ખેડૂત સમૃદ્ધિ ઉત્સવ : PM કિસાન યોજનાનો ૨૨મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થશે
રાજકોટના તરઘડીયા ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાના 'મિલેટ મેળા'નું આયોજન
રાજકોટ તા.૧૪
ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા સાંજે ૫ વાગ્યે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 'PM કિસાન સન્માન નિધિ' યોજનાનો ૨૨મો હપ્તો દેશભરના લાભાર્થી ખેડૂતોના ખાતામાં સીધો જમા કરવામાં આવશે. જેનું દેશભરમાં જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ સાથે રાજકોટમાં સાંજે ૪ કલાકે, ત્રિમંદિર, તરઘડીયા, રાજકોટ-અમદાવાદ હાઇવે ખાતે ‘મિલેટ મેળા‘નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વધુમાં વધુ ખેડૂતો સહભાગી થઈ શકે તેવા હેતુથી રાજકોટ જિલ્લાના તમામ ૧૧ તાલુકાઓમાં પણ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉપલેટાના શ્રી રાજપૂત સમાજ (મુ.લાઠ), કોટડા સાંગાણીના હનુમાન હોલ (રાજગઢ), ગોંડલના લેઉવા પટેલ-કોલિથડ, જેતપુરના રોટરી ક્લબ હોલ, જસદણના ઘેલા સોમનાથ મંદિર, જામકંડોરણાના શ્રી લેઉવા પટેલ સમાજ ભવન (સાજડીયાળી), ધોરાજીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (પીપળીયા), પડધરીની શ્રી લેઉવા પટેલ સમાજવાડી (સરપદડ), લોધિકાની શ્રી લેઉવા પટેલ સમાજવાડી (સાંગણવા) અને વિંછીયાના નવા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો માટે કાર્યક્રમ યોજાશે. સ્થાનિક તાલુકાના તમામ લાભાર્થી ખેડૂતોને નિર્ધારિત સ્થળે ઉપસ્થિત રહેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.


