પોરબંદર જિલ્લામાં ઘરેલું ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોક : અફવાઓથી દૂર રહેવા જિલ્લા પુરવઠા અધિકારી નેહા સોજીત્રાની અપીલ
કાળાબજાર કે વધુ ભાવ વસુલનાર સામે તંત્ર દ્વારા કાર્યવાહી થશે,સર્વર ઓવર લોડથી બુકિંગમાં વિલંબ, હવે કાર્યરત થયું પુરવઠા તંત્રની સ્પષ્ટતા
(પ્રતિનિધી દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૪
છેલ્લા કેટલાક દિવસોથી ખાડી દેશોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોરબંદર જિલ્લાના ઈનચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી નેહા સોજીત્રાએ પત્રકાર પરિષદ કરીને સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જિલ્લામાં ઘરેલું વપરાશ માટેના ગેસ સિલિન્ડરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. ઓનલાઈન બુકિંગ સિસ્ટમમાં સર્વર ઓવરલોડને કારણે જે ટેકનિકલ સમસ્યા સર્જાઈ હતી, તેને કારણે બુકિંગમાં થોડો વિલંબ થયો હતો, પરંતુ હવે આ સિસ્ટમ પુન: કાર્યરત થઈ ગઈ છે.
તેમણે જણાવ્યું હતું કે, ગેસ એજન્સીઓ દ્વારા જાણીજોઈને બુકિંગ બંધ રાખવામાં આવ્યું નથી, તેથી નાગરિકોએ કોઈ પણ પ્રકારના ગભરાટ કે પેનિકમાં આવીને બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં.વધુમાં, જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, ઘરેલું ગેસ સિલિન્ડરનો કોમશિર્યલ હેતુ માટે ગેરકાયદેસર વપરાશ રોકવા માટે તમામ તાલુકામાં મામલતદારશ્રીઓને સઘન ચેકિંગ કરવા સૂચના આપી દેવામાં આવી છે. જો કોઈ તત્વો અછતની અફવા ફેલાવીને બ્લેક માર્કેટિંગ કરતા હોય અથવા નિયત કિંમત કરતા વધુ ભાવ વસૂલતા હોય, તો તેની જાણ તાત્કાલિક વહીવટી તંત્રને કરવા અપીલ કરવામાં આવી છે.
સરકાર દ્વારા પુરવઠામાં કોઈ કાપ મૂકવામાં આવ્યો નથી અને ડેપો પરથી સતત સ્ટોક આવી રહ્યો હોવાથી દરેક ગ્રાહકને સમયસર ગેસ મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવી છે.


