માંગરોળના શાપુર ગામે ગૌચરની જમીનમાંથી ગેરકાયદેસર દબાણો દુર કરાયા
(નિલેશ રાજપરા દ્વારા)
માંગરોળ તા.૯
માંગરોળ નજીકના શાપુર ગામે ગૌચરની જમીનમાંથી પાંચ ગેરકાયદેસર દબાણો દુર કરાયા હતા. કોર્ટે દબાણકારોનો દાવો નામંજૂર કર્યા બાદ તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરી હતી.
શાપુર ગામે સર્વે નં.૧૬૯ વાળી ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરની જમીનમાં દબાણો થયાનું ધ્યાને આવતા જે તે સમયે ગ્રા.પં. દ્વારા દબાણકારોને નોટીસો આપવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. દરમ્યાન કોર્ટે દબાણકારોનો દાવો નામંજૂર કરતા પોલીસ બંદોબસ્ત સાથે ટીડીઓ, વિસ્તરણ અધિકારી, તલાટીમંત્રી સહિતનાએ દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી. આ તબક્કે રાજકીય ઈશારે કે માલિકીની જમીન પર ડિમોલિશનની કાર્યવાહી થઈ હોવાના આક્ષેપો ઉઠયા હતા. જે સંબંધે તલાટીમંત્રી ટી.ડી.ઝાલાએ જણાવ્યું હતું કે અહીં દબાણકારોની માલિકીની જમીન પણ છે અને દબાણો પણ છે. દબાણ વાળી જમીન પર માપણી પણ થઈ ગઈ છે. માંગરોળ કોર્ટમાં દાવો નામંજૂર થયા બાદ આ પેશકદમી દુર કરવા કાર્યવાહી હાથ ધરાઈ છે. આ સર્વે નંબરમાં હજુ પણ ૨૫ થી ૩૦ વિઘા જમીન પર દબાણો છે. જે સંબંધે અન્ય પાંચ થી છ દબાણકારોને નોટીસો આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં તે દબાણો દુર કરવામાં આવશે.


