અમદાવાદમાં આજે દિલજીતનો કોન્સર્ટ : ૯૦ હજાર ફેન્સ ઉમટશે

અમદાવાદમાં આજે દિલજીતનો કોન્સર્ટ : ૯૦ હજાર ફેન્સ ઉમટશે

(એજન્સી)    અમદાવાદ,તા.૨૧:
અમદાવાદમાં પંજાબી ગાયક દિલજીત દોસાંઝના કોન્સર્ટને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે મોદી સ્ટેડિયમ ખાતે યોજાનારા ‘Aura India Tour'ના કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડવાના છે. કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ, મેટ્રો તંત્ર અને સુરક્ષા એજન્સીઓએ વિશેષ વ્યવસ્થા કરી છે. સ્ટેડિયમમાં સુરક્ષા, ટ્રાફિક નિયંત્રણ, મેટ્રો ટ્રેનના વધારાના ફેરા, પાકિર્ગ અને મેડિકલ સુવિધાઓ સહિતની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
દિલજીત દોસાંઝના કોન્સર્ટનો ક્રેઝ માત્ર ગુજરાત પૂરતો સીમિત નથી. મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી અને પંજાબ સહિત અનેક રાજ્યોમાંથી યુવાનો અમદાવાદ પહોંચવાના છે. એરપોર્ટથી લઈને શહેરના વિવિધ વિસ્તારોમાં કોન્સર્ટને લઈને ચાહકોની અવરજવર વધવાની શક્યતા છે. કાર્યક્રમમાં સેલિબ્રિટીઓની હાજરીને લઈને પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.
કોન્સર્ટ દરમ્યાન સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવા માટે ૧૩૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. JCP, DCP, PI સહિતના અધિકારીઓ બંદોબસ્તની દેખરેખ રાખશે. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમ તથા આસપાસના વિસ્તારમાં સતત તપાસ કરવામાં આવશે.
આ ઉપરાંત, SRPની ૩ ટુકડીઓ, આશરે ૧૫૦૦ પ્રાઇવેટ સિક્યોરિટી ગાડ્ર્સ અને સિવિલ ડ્રેસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ સુરક્ષામાં જોડાશે. સ્ટેડિયમ વિસ્તારમાં ૩૦૦ કેમેરા દ્વારા સર્વેલન્સ કરવામાં આવશે અને ક્રાઇમ બ્રાન્ચની અલગ ટીમો પણ સક્રિય રહેશે.