વેરાવળની સરકારી કન્યા છાત્રાલયમાં નબળી સુવિધાઓ, સડેલું ભોજન અપાતુ હોવાની ફરીયાદ : કલેકટરને રજુઆત
અસુવિધા અને અસુરક્ષાને લઈ કંટાળેલી વિર્દ્યાથિનીઓએ એબીવીપીના નેજા હેઠળ કલેક્ટર કચેરીએ કર્યો વિરોધ દર્શાવ્યો : વિદ્યાર્થીનીઓએ ૧૦ દિવસમાં અસરકારક પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી
(રાકેશ પરડવા દ્વારા)
વેરાવળ તા.૭
વેરાવળની હરસિદ્ધ સોસાયટી વિસ્તારમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકર સરકારી કન્યા છાત્રાલય અસુવિધા અને અસુરક્ષાને લઈ વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. હોસ્ટેલમાં રહેતી વિર્દ્યાથિનીઓએ ગેરરીતિ, બેદરકારી અને તંત્રની નિષ્ફળતાના ગંભીર આક્ષેપો સાથે મોરચો ખોલતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. આજે વિર્દ્યાથિનીઓએ એબીવીપીના નેજા હેઠળ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને જોરદાર ઉગ્ર વિરોધ નોંધાવવાની સાથે સુત્રોચ્ચાર સાથે રજૂઆત કરતા વિર્દ્યાથિનીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવેલ કે, હોસ્ટેલમાં આપવામાં આવતી સુવિધાઓ માત્ર કાગળ પર જ છે. જ્યારે વાસ્તવમાં સ્થિતિ અત્યંત દયનીય છે. વિર્દ્યાથિનીઓએ કરેલા આક્ષેપોમાં સૌથી ચોંકાવનારો મુદ્દો ભોજનનો છે. તે અંગે જણાવેલ કે, હોસ્ટેલમાં પીરસાતું ભોજન નબળી ગુણવત્તાનું છે અને ઘણી વખત સડેલા ડુંગળી- બટેટા જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. આરોગ્ય માટે જોખમી એવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય દેખરેખ રાખવામાં આવતી નથી જે ગંભીર બેદરકારી દર્શાવે છે. અહીં માત્ર ભોજન જ નહીં રહેવાની વ્યવસ્થા પણ પ્રશ્નચિહ્ન હેઠળ આવી છે. કારણ કે, રૂમોની સ્વચ્છતા, પાણી, સુરક્ષા અને મૂળભૂત સુવિધાઓના અભાવને કારણે વિર્દ્યાથિનીઓ ભારે મુશ્કેલી અનુભવી રહી છે. વધુમાં હોસ્ટેલ આસપાસ અસામાજીક તત્વોની અવરજવર હોવાનો પણ વિર્દ્યાથિનીઓએ ગંભીર આક્ષેપ કર્યો છે. રાત્રિના સમયે અસુરક્ષિત વાતાવરણને કારણે વિર્દ્યાથિનીઓમાં ભયનો માહોલ ફેલાયો છે જે પ્રશાસન માટે ચેતવણીરૂપ છે.
એબીવીપીના જિલ્લા સંયોજક પ્રિયા બારડની આગેવાની હેઠળ વિર્દ્યાથિનીઓએ કલેક્ટર કચેરીએ પહોંચી તંત્ર વિરુદ્ધ કડક સૂત્રોચ્ચાર કરતા જણાવેલ કે આ માત્ર સુવિધાનો મુદ્દો નથી પરંતુ વિર્દ્યાથિનીઓના આરોગ્ય અને સુરક્ષાનો પ્રશ્ન છે. વિર્દ્યાથિની દીપિકા જાદવે મીડિયા સમક્ષ જણાવ્યું કે હોસ્ટેલમાં લાંબા સમયથી ગેરરીતિઓ ચાલી રહી છે જે અંગે કોઈ સાંભળવા તૈયાર નથી. ત્યારે આગામી દસ દિવસમાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર અને વ્યાપક આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. વિર્દ્યાથિનીઓના ગંભીર આક્ષેપો સામે તંત્ર કેટલી ઝડપથી અને કડક કાર્યવાહી કરે છે તે જોવાનું રહેશે. જો સમયસર પગલાં નહીં લેવાય, તો આ મુદ્દો વધુ ઉગ્ર બની સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બની શકે છે.



