દેશની પ્રથમ ટ્રાયલ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’ ગુજરાતમાં ૧૩૦ની સ્પીડથી દોડી
રસ્તામાં આવતાં વડોદરા, સુરત સહિતના સ્ટેશન ઉપર ટ્રેનની માત્ર એક ઝલક જાેવા મળી
અમદાવાદ, તા.૧૭
દેશની પ્રથમ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’ની ટ્રાયલ ૧૪ નવેમ્બરે અમદાવાદથી મુંબઈની વચ્ચે કરવામાં આવી હતી. સવારે અમદાવાદથી ૧૩૦ની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી હતી, જેમાં રસ્તામાં આવતાં વડોદરા, સુરત સહિતનાં સ્ટેશન ઉપર માત્ર એની એક ઝલક જાેવા મળી હતી. દેશની પહેલી નોનસ્ટોપ ‘સ્લીપર વંદે ભારત ટ્રેન’ની બીજી ટ્રાયલ સફળ રહી છે. આ ટ્રેનમાં ૧૬ કોચ છે, જેના રેકમાં ફેરફાર કરાયેલી બોગીઓ છે. વંદે ભારત ટ્રેનથી પણ વધુ અદ્યતન સુવિધાઓ સ્લીપર વંદે ભારે ટ્રેનમાં કરવામાં આવી છે. આ ટ્રેન શરૂ થતાં હવે માત્ર ૫ કલાકમાં જ અમદાવાદથી મુંબઈ પહોંચી શકાશે. પશ્ચિમ રેલવે પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગત ૧૧ નવેમ્બરના રોજ સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક અમદાવાદ આવવા માટે રવાના થયા હતા. ૧૩ નવેમ્બરના રોજ અમદાવાદ ખાતેના સાબરમતી યાર્ડ ખાતે સ્લીપર વંદે ભારત ટ્રેનના રેક આવી ગયા હતા. ત્યાર બાદ એમાં જરૂરી ટેક્નિકલ તપાસ કરવામાં આવી હતી. આ સાથે આરડીએસઓની ટીમે ઇન્સ્ટ્રુમેન્ટ ટેન્શન અને સલામતીની તપાસ શરૂ કરી દીધી હતી. ૧૪ નવેમ્બર સવારે ૯:૦૦ વાગ્યે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ શરૂ કરવામાં આવી હતી. અમદાવાદથી ૧૩૦ની સ્પીડે મુંબઈ સેન્ટ્રલ સુધીની ટ્રાયલ હાથ ધરવામાં આવી હતી. સ્લીપર વંદે ભારત ટ્રેન મુંબઈથી પરત અમદાવાદ આવશે. અમદાવાદથી ઊપડેલી સ્લીપર વંદે ભારત ટ્રેન ૧૩૦ની સ્પીડે વડોદરા, સુરત અને ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી. આ ટ્રાયલ દરમ્યાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન સહિતના વિભાગો દ્વારા ટ્રાયલમાં કામગીરી કરવામાં આવી હતી. આ ટ્રાયલ દરમ્યાન ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતીનાં ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સાથે જ આર.ડી.એસ.ઓ અને આઈ. સી. એફ.ની સંયુક્ત ટીમને સમગ્ર રૂટ ઉપર ગતિ, સ્થિરતા અને સલામતીનાં ધોરણોનું નિરીક્ષણ કર્યું છે. અમદાવાદથી મુંબઈ સુધીનું દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની બીજી ટ્રાયલ પણ સફળ રહી છે. પશ્ચિમ રેલવેના સી.પી.આર.ઓ. વિનીત અભિષેકે જણાવ્યું હતું કે આ ટ્રાયલ દરમ્યાન અલગ-અલગ ૫૦ જેટલા મુદ્દા ઉપર ધ્યાન રાખવામાં આવતું હોય છે, જેમાં ખાસ ડેટા રેકોર્ડિંગ, સેન્સર અને સલામતીનાં ઉપકરણો હોય છે, એના ઉપર વધુ ધ્યાન આપવામાં આવતું હોય છે. આ ટ્રાયલ જે રેક છે, એની સલામતી સહિતના તમામ મુદ્દા ઉપર જાે કોઈ ખામી હોય તો એને સુધારો કરવા માટે કરવામાં આવતો હોય છે.


