કામધેનુ યુનિવર્સિટીની, વેટરનરી કોલેજ જૂનાગઢ દ્વારા હડકવા જાગૃતિ માટે પ્રાથમિક શાળામાં વ્યાપક જાગૃતિ કાર્યક્રમ અને ચિત્ર સ્પર્ધાનું આયોજન
જૂનાગઢ, તા.૧૯
ધોરાજી તાલુકાના મોટા ગુન્દાણા ગામની પ્રાથમિક શાળામાં, જૂનાગઢ વેટરનરી કોલેજના એન.એસ.એસ. યુનિટ દ્વારા હડકવા જેવા જીવલેણ રોગ અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં વિદ્યાર્થીઓને હડકવા શું છે, તે કેવી રીતે ફેલાય છે અને તે કેટલો જાેખમી બની શકે છે તેની સરળ અને સમજાય તેવી માહિતી આપવામાં આવી. કાર્યક્રમ દરમ્યાન ડો.અવિનાશ બિલવાલ અને ડૉ. એસ. વી. માવદીયા દ્વારા વિદ્યાર્થીઓને રેબિઝના લક્ષણો, પ્રાથમિક સારવાર, ખાસ કરીને “કૂતરા કરડવા કે સ્ક્રેચ થાય તો તરત જ સાબુ અને પાણીથી ધોવું” જેવી જીવનરક્ષક માહિતી આપી હતી. તેમણે હડકવાથી બચવા માટેના મહત્વપૂર્ણ પગલાં જેમ કે સમયસર રસીકરણ, અજાણ્યા પ્રાણીઓથી દૂર રહેવું અને તરત જ તબીબી સારવાર લેવાની જરૂરિયાત અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.
વિદ્યાર્થીઓમાં વધુ રસ અને સમજ વિકસે તે હેતુસર હડકવા જાગૃતિ વિષયક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું સંચાલન ડૉ. પિયુષ ડોડીયા, ડો. ડી.સી. પટેલ, ડૉ. દેવાશી બોરખતરીયા તથા ડૉ. માનીની ગેલટ દ્વારા કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈને હડકવા અંગે જાગૃતિ ફેલાવતાં સુંદર અને સંદેશાત્મક ચિત્રો રજૂ કર્યા હતા.કાર્યક્રમ દરમિયાન એન.એસ.એસ. યુનિટના સ્વયંસેવક વિદ્યાર્થીઓએ પણ સક્રિય ભાગ ભજવી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં જાગૃતિ સાથે સાથે રસપ્રદ શૈક્ષણિક વાતાવરણ ઉભું થયું હતું.
શાળાના પ્રિન્સિપાલ સંજયભાઈ વેકરિયા, પિયુષભાઈ હીરપરા તેમજ શાળાના સ્ટાફ તથા સરપંચ ગોપાલભાઈ અમીપરા દ્વારા વેટરનરી કોલેજ, કામધેનુ યુનિવર્સિટીની જૂનાગઢના એન.એસ.એસ. યુનિટ દ્વારા આયોજિત આ લોકહિતના કાર્યક્રમને ખૂબ જ સરાહનીય ગણાવ્યો હતો અને આવનારા સમયમાં પણ આવા જાગૃતિ કાર્યક્રમો યોજવા માટે આમંત્રણ આપ્યું હતું.


