ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ પટ્ટીમાં લોખંડી બંદોબસ્ત : જળ અને જમીન માર્ગે સઘન સર્ચ ઓપરેશન
(પ્રતિનિધિ દ્વારા)
દ્વારકા તા. ર૧
દેશની પશ્ચિમ ક્ષેત્રની દરિયાઈ સરહદી સુરક્ષાને વધુ સુદ્રઢ કરવાના ભાગરૂપે ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દેવભૂમિ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરિયાઈ માર્ગે થતી કોઈપણ પ્રકારની ઘુસણખોરી કે અસામાજિક પ્રવૃત્તિઓને રોકવા સુરક્ષા એજન્સીઓ એકશન મોડમાં હોય તે રીતે મરીન ટાસ્ક ફોર્સની ટીમો દ્વારા જિલ્લાના બેટ દ્વારકા, શિવરાજપુર બીચ, મીઠાપુર બીચ, રૂપેણ બંદર, દ્વારકાના ગોમતી ઘાટ જેવા વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું. આ ઉપરાંત જળમાર્ગે હાઈસ્પીડ બોટ દ્વારા કિનારાના વિસ્તારોમાં સઘન ચેકીંગ કરાયું હતું. આગામી ફુલડોલ ઉત્સવમાં દ્વારકા યાત્રાધામ તેમજ તાલુકાના અન્ય ધાર્મિક તેમજ પર્યટન સ્થળોમાં સહેલાણીઓની ભીડ રહેનાર હોય સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવામાં આવી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા માછીમારોને અને સ્થાનીય નાગરીકોને સતર્ક રહી દરિયાઈ પટ્ટી પર કોઈપણ પ્રકારની શંકાસ્પદ વ્યકિત કે હિલચાલ નજર પડે તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરાઈ છે.


