રૂા. ર૦ લાખની ખંડણીના કેસની મુખ્ય સુત્રધાર કિર્તી પટેલની પોલીસ દ્વારા સઘન પુછપરછ
રાજસ્થાનનાં ઉદયપુર ખાતેથી ઝડપી લેવાયેલી કિર્તી પટેલની એક દિવસની રીમાન્ડ પૂર્ણ થતાં આજે પુર્ન: કોર્ટમાં રજુ કરાશે
જૂનાગઢ તા. ર૩
જૂનાગઢ સહીત સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ ભારે ચકચાર જગાવવાનાં બનાવમાં ઘેરાયેલી તેમજ અવાર નવાર જુદા જુદા વિવાદમાં રહેલી કિર્તી પટેલનો તાજેતરમાં જ શિવરાત્રીનાં મેળા દરમ્યાન મૃગી કુંડમાં ભગવા વસ્ત્રો પહેરી સ્નાન કરવાનો વિડીયો વાયરલ થયાના બનાવના પગલે ફરી એકવાર વિવાદમાં આવી હતી. ઉપરા ઉપરી ત્રણ જેટલી ફરીયાદ કિર્તી પટેલ વિરૂધ્ધ નોંધાઈ હતી. જેમાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂા. ર૦ લાખની ખંડણી માંગવા અંગેનો ગુનો પણ કિર્તી પટેલ વિરૂધ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. રૂા. ર૦ લાખની ખંડણી પ્રકરણની મુખ્ય સુત્રધાર એવી કિર્તી પટેલને ઝડપી લેવા માટે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી. અને ચોકકસ બાતમીનાં આધારે રાજસ્થાનનાં ઉદયપુર ખાતેથી કિર્તી પટેલને ઝડપી લેવામાં આવી હતી. રીમાન્ડની માંગણી સાથે અંદાલતમાં રજુ કરવામાં આવતાં તેના એક દિવસનાં એટલે કે આજ સાંજ સુધીનાં રીમાન્ડ મંજુર થયા છે. આ રીમાન્ડ દરમ્યાન પોલીસ દ્વારા વિવિધ મુદે તપાસ હાથ ધરવામાં આવી છે.
મહાશિવરાત્રીનાં મેળામાં મૃગીકુંડમાં સાધ્વી વેશમાં શાહી સ્નાન કરનાર કિર્તી પટેલ વિરૂધ્ધ સાત દિવસમાં ૩ ગુના નોંધાયા બાદ ગઈકાલે જૂનાગઢ પોલીસે રાજસ્થાનના ઉદયપુરથી ધરપકડ કરી છે. આ ઉપરાંત ખોટા કેસમાં ફસાવી દઈ રૂા. ર૦ લાખની ખંડણી માંગવાનાં કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે વિવાદીત કિર્તી પટેલ દ્વારા અબઝલ સીડા નામના વ્યકિત પાસે ખંડણી માંગી મારી નાખવાની ધમકી આપવા બદલ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ કેસમાં પોલીસે તપાસ બાદ મુખ્ય આરોપીની રાજસ્થાનના ઉદયપુર ખાતેથી ધરપકડ કરી છે. આ અંગે જૂનાગઢ ગ્રામ્ય ડીવાયએસપી રવિરાજસિંહ પરમારે જણાવ્યું હતું કે ગત તા. ર૧ ફેબ્રુઆરીએ કિર્તી પટેલ અને અન્ય આરોપીઓ વિરૂધ્ધ ખંડણી અને ધમકીનો ગુનો દાખલ થયો હતો. છેલ્લા સાત દિવસમાં કિર્તી પટેલ વિરૂધ્ધ આ ત્રીજી ફરીયાદ દાખલ થતાં પોલીસે તત્કાલ એકશન લીધા હતા. હાલમાં આરોપીને ધરપકડ કરી રીમાન્ડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા કિર્તી પટેલને કોર્ટમાં રજુ કરી કોર્ટ સમક્ષ પાંચ દિવસના રીમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે એક દિવસનાં રીમાન્ડ મંજુર કર્યા છે. આ રીમાન્ડ દરમ્યાન ગુનો આચર્યા બાદ કિર્તી પટેલ કયાં કયાં રોકાઈ હતી, કોણે તેને આશરો આપ્યો હતો અને આ ગુનામાં અન્ય કયા વ્યકિતઓ સામેલ છે તેની સઘન પુછપરછ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત માંગવામાં આવેલી રૂા. ર૦ લાખની ખંડણીમાંથી ફરીયાદીએ કોઈ રકમ આપી છે કે કેમ તે દિશામાં પણ તપાસ ચલાવવામાં આવશે. આ સમગ્ર પ્રકરણમાં કિર્તી પટેલ ઉપરાંત અન્ય ચાર જેટલા સહ આરોપીઓ પણ સંડોવાયેલા છે. હાલ આ તમામ આરોપીઓ પોલીસ પકડથી દુર છે. જેથી તેઓ કયાં છુપાયેલા છે અને તેમની ભૂમિકા શું હતી તે જાણવા માટે પોલીસની અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.


