હોળીની ઝાળ પુર્વ દિશામાં જાય તો રાજા અને પ્રજા બંને સુખી થાય : વર્ષા વિજ્ઞાન મંડળનાં સભ્ય રમણીકભાઈ વામજા

ખગોળ વિદ્યા, ભડલી વાકય અને સુર્યનારાયણ ભગવાનનાં ર૭ નક્ષત્રનાં આધારે પુર્વાનુમાન

હોળીની ઝાળ પુર્વ દિશામાં જાય તો રાજા અને પ્રજા બંને સુખી થાય : વર્ષા વિજ્ઞાન મંડળનાં સભ્ય રમણીકભાઈ વામજા

જૂનાગઢ તા. ર૩
હોળી અને ધુળેટીનાં તહેવારો નજીક આવી રહયા છે. આપણી પરંપરા અનુસાર આ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી સર્વત્ર થશે. બીજી તરફ હોળીની ઝાળનાં આધારે વર્ષ કેવું જશે તેનું પણ પુર્વાનુમાન કરવામાં આવે છે. ખગોળ વિદ્યાનાં આધારે વંથલીનાં વર્ષા વિજ્ઞાન મંડળનાં સભ્ય રમણીકભાઈ વામજાએ આ અંગેની મહત્વની વિગત આપી છે. જેમાં ખાસ કરીને હોળીની રાત્રે પ્રગટતી જવાળાની ઝાળ પુર્વ દિશામાં જશે તો રાજા અને પ્રજા બંને સુખી થાય તેવું પુર્વાનુમાન થતું હોય છે. આ અંગે વિશેષમાં મળતી વિગત અનુસાર ફાગણ સુદ પુનમ હુતાસણી (હોળી)ના સમયે હોળી વચ્ચે ધજા રોપીને પવન જાેવાનો રીવાજ સૌરાષ્ટ્રમાં વર્ષો જુની પરંપરા છે. આ પવનની દિશા ઉપરથી આગામી ચોમાસું, ખેતી ક્ષેત્ર તેમજ વેપાર વાણિજય અંગે પુર્વાનુમાનો વ્યકત કરવામાં આવે છે. હોલીકા દહન દરમ્યાન તેની ઝાળ કઈ દિશા તરફ જાય છે? તે જાેવાની આ પરંપરા આજે પણ જળવાઈ રહી છે. આગામી તા. ૩ માર્ચનાં હોલીકા પર્વની ઉજવણી કરાશે. તેવી સ્થિતિ વચ્ચે વર્ષાવિજ્ઞાન મંડળ જૂનાગઢના સભ્ય રમણીકભાઈ વામજાએ આગામી ચોમાસાના પુર્વાનુમાન અંતર્ગત જણાવ્યું છે કે હોળીની ઝાળ પુર્વ દિશા તરફ રહેશે તો ખંડીય વૃષ્ટી પ્રમાણે વરસાદ, દક્ષિણ દીશા તરફ ઝાળ રહેશે તો ઓછા વરસાદ સાથે તીડનાં ટોળાની સંભાવના, પશ્ચિમ દિશા તરફ ઝાળ રહેશે તો ઉત્તમ ફળ આપશે તેમજ ઉત્તર દિશા તરફ ઝાળ રહેશે તો સારા વરસાદની સંભાવના રહેશે. આ સાથે તેમણે ચારેય ખુણાઓ તરફ જતી ઝાળ શું સંકેત આપે છે તે બાબતે પણ જણાવ્યું હતું કે ઈશાન ખુણા તરફ ઝાળ એટલે નબળું વર્ષ, અગ્નિ ખુણા તરફ ઝાળ એટલે ઓછો વરસાદ તેમજ દુષ્કાળની સંભાવના, નૈઋત્ય ખુણા તરફ ઝાળ રહેશે તો સાધારણ વર્ષ અને વાયવ્ય ખુણા તરફ હોળીની ઝાળ રહે તો તોફાની વરસાદ સાથે ધનધાન્ય સારા પાકશે.

આજ તા. ર૩ થી ર૬ દરમ્યાન અમરેલી ભાવનગર પંથકમાં માવઠાની આગાહી
ખગોળ વિદ્યા અને ભડલી વાકયના આધારે તેમણે આગામી સમયના માવઠાઓ અંગે પુર્વાનુમાન કરી જણાવ્યું છે કે આજ તા. ર૩ થી ર૬ માર્ચ દરમ્યાન અમરેલી અને ભાવનગર બાજુ વધુ ગરમી તેમજ માવઠાની શકયતા છે. તા. ર૪ થી ૧૬ એપ્રીલ દરમ્યાન અશ્વિની નક્ષત્ર અને માવઠાની સંભાવના. તા. ૩ થી ૭ મે દરમ્યાન ભરણી નક્ષત્રમાં માવઠા તેમજ પવન સાથે વરસાદ અને તા. ૧૭ થી ર૧ મે દરમ્યાન કૃતિકા નક્ષત્રમાં વરસાદ થવાથી આગામી વર્ષ સારૂ રહેશે તેવી સંભાવના વ્યકત કરવામાં આવી છે. એકંદરે ઉષ્ણતામાન ઉંચુ જવાથી માવઠા તથા પવન સાથે વરસાદની શકયતાઓ વ્યકત કરવામાં આવી છે તેમજ ખેડૂતો માટે વર્ષ સારૂ હોવાનું અંતમાં જણાવાયું છે.