ઈરાન પરનો હુમલો ટ્રમ્પે છેલ્લી ઘડીએ મુલ્તવી રાખ્યો
(એજન્સી) વોશિંગ્ટન, તા.19
પશ્ચિમ એશિયામાં લશ્કરી તણાવમાં ફરી વધારો થવા વચ્ચે, આશાનું એક નવું કિરણ ઉભરી આવ્યું છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમણે ઈરાન પર પ્રસ્તાવિત લશ્કરી હુમલો મુલતવી રાખ્યો છે. તેમણે જણાવ્યું હતું કે આ ર્નિણય કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતના નેતાઓની સીધી વિનંતી પર લેવામાં આવ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે હવે ગંભીર વાટાઘાટો ચાલી રહી છે. આને ધ્યાનમાં રાખીને, ત્રણેય દેશોના નેતાઓએ હાલ પૂરતો ઈરાન પર હુમલો મુલતવી રાખવા વિનંતી કરી છે, જેને તેમણે સ્વીકારી લીધી છે.
મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે, અમેરીકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમણે ઈરાન પર પ્રસ્તાવિત હુમલો મુલતવી રાખ્યો છે. તેમણે કહ્યું કે આ ર્નિણય કતાર, સાઉદી અરેબિયા અને યુએઈની વિનંતી પર લેવામાં આવ્યો છે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાન સાથે હવે ગંભીર વાટાઘાટો ચાલી રહી છે. દરમિયાન, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને સ્પષ્ટપણે કહ્યું હતું કે વાટાઘાટોનો અર્થ શરણાગતિ નથી. તેમણે કહ્યું કે તેહરાન તેની ગરિમા, શક્તિ અને રાષ્ટ્રીય અધિકારોનું રક્ષણ કરવા માટે વાટાઘાટોમાં પ્રવેશ્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જ કહ્યું કે આજે ઇરાન પર ભયાનક હુમલો થવાનો હતો પરંતુ અખાતના દેશોની વિનંતી તથા ઇરાનના નવા શાંતિ પ્રસ્તાવના પગલે હુમલો અટકાવી દેવામાં આવ્યો હતો. જોકે ગમે ત્યારે એક જ ઇશારે ફરી હુમલાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો છે.


