પાકિસ્તાન ભડકે બળ્યું : ગોળીબારમાં ૨૫૦થી વધુ મોતનો TLPનો દાવો

પાકિસ્તાન ભડકે બળ્યું : ગોળીબારમાં ૨૫૦થી વધુ મોતનો TLPનો દાવો

(સંપૂર્ણ સમાચાર સેવા) ઈસ્લામાબાદ, તા.૧૪
એકબાજુ ઈઝરાયલ અને ગાઝા વચ્ચે યુદ્ધનો અંત આવ્યો છે. બંને દેશો શાંતિ કરાર હેઠળ શાંત પડ્યા છે, જ્યારે બીજી બાજુ પાકિસ્તાનમાં આ યુદ્ધ મામલે ફાટી નીકળેલું આંદોલન હિંસક બન્યું છે. જેમાં આજે આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણમાં માત્ર ત્રણ કલાકમાં ૨૮૦થી વધુ લોકોનો જીવ લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ અથડામણમાં એક પોલીસ અધિકારી પણ માર્યા ગયા હોવાનું પંજાબ પોલીસના પ્રવક્તાએ જણાવ્યું છે.
ગાઝામાં પેલેસ્ટાઈનના સમર્થનમાં પાકિસ્તાનનું કટ્ટરપંથી સંગઠન તહરિક-એ-લબ્બૈક-પાકિસ્તાન (TLP)એ અમેરિકા અને ઈઝરાયલનો વિરોધ નોંધાવતાં વિરોધ રેલીઓ કાઢી હતી. ઈસ્લામાબાદ તરફ આગળ વધી રહેલી આ રેલીને લાહૌરમાં અટકાવવામાં આવતાં તેણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પોલીસે ટીઅર ગેસના શેલ છોડ્યા હતાં, અને લાઠીચાર્જ કર્યો હતો. જેના જવાબમાં ટીએલપીએ પણ ઠેરઠેર આગચાંપી અને તોડફોડ કરી હતી.  આજે સવારે ચાર વાગ્યે પાકિસ્તાની રેન્જર્સ અને પોલીસે ટીએલપીના હજારો કાર્યકરોને ઈસ્લામાબાદ જતાં રોકવા સ્મોક ગ્રેનેડ ફેંક્યા હતા. બાદમાં સવારે નવ વાગ્યાથી ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ગોળીબારમાં ટીએલપીના ત્રણ કાર્યકરોના મોત થયા હોવાનો દાવો છે.
પોલીસના દાવાથી વિપરિત ટીએલપીએ દાવો કર્યો છે કે, પોલીસ અને રેન્જર્સના ગોળીબારમાં અમારા ૨૮૦થી વધુ કાર્યકરો માર્યા ગયા છે. જેમાં અમારા પ્રમુખ મૌલાના સાદ હુસૈન રિઝવીને પણ ગોળી વાગી હતી. એક વીડિયોમાં રિઝવી પાક્સિતાની રેન્જર્સ અને પોલીસને ગોળીબાર ન કરવા અપીલ કરતાં જાેવા મળ્યા હતાં.