લોઢવામાં બસ કંડક્ટરે મુસાફરનો ખોવાયેલો મોબાઈલ પરત કરી પ્રામાણિકતા દાખવી
(જાદવ ભોળા દ્વારા)
લોઢવા, તા.૮
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કોડીનાર ડેપોના કર્મચારીઓએ ફરજ દરમિયાન પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. બસમાં ભૂલી ગયેલા મુસાફરનો અંદાજે રૂા.૨૨,૦૦૦ની કિંમતનો સ્માર્ટફોન સુરક્ષિત રીતે મૂળ માલિકને પરત સોંપી સ્ટાફે માનવતા મહેકાવી છે.
રવિગત અનુસાર, તારીખ ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ કોડીનાર ડેપોની નાઈટ રૂટની ‘કોટડા–ઓખા‘ બસમાં લોઢવાના વતની કંડક્ટર દિનેશભાઈ વાઢેર તથા ડ્રાઈવર ગીગાભાઈ ફરજ પર હતા. આ મુસાફરી દરમ્યાન પોરબંદર ખાતેથી સવાર થયેલા પેસેન્જર સતીશભાઈ પરમાર પોતાનો કિંમતી મોબાઈલ ભૂલથી બસની સીટ ઉપર જ ભૂલી ગયા હતા.
રૂટ પૂર્ણ થયા બાદ સીટ ચેક કરતી વખતે કંડક્ટર દિનેશભાઈના ધ્યાને આ મોબાઈલ આવ્યો હતો. તેમણે તુરંત સમયસૂચકતા વાપરી ફોન પરથી મુસાફરનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો અને મોબાઈલ સુરક્ષિત હોવાની જાણ કરી હતી.
ત્યારબાદ બીજા દિવસે પોરબંદર ડેપો ખાતે ટ્રાફિક કંટ્રોલર (TC)ની પ્રત્યક્ષ હાજરીમાં તમામ ખાતરી કરીને આ કિંમતી ફોન મુસાફર સતીશભાઈ પરમારને હેમખેમ પરત સોંપવામાં આવ્યો હતો. પોતાનો મોંઘોદાટ ફોન પરત મળતાં મુસાફરે રાહતનો શ્વાસ લીધો હતો અને બંને કર્મચારીઓ તેમજ એસ.ટી. તંત્રનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ડેપોના અધિકારીઓ તેમજ સ્થાનિક લોકોએ પણ કંડક્ટર દિનેશભાઈ વાઢેર અને ડ્રાઈવર ગીગાભાઈની આ ઈમાનદારીની સરાહના કરી હતી.


