વેરાવળમાં આંબેડકર નગરમાં રસ્તાના પ્રશ્ને રહીશોએ પાલીકા કચેરીમાં થાળી-વેલણ સાથે પ્રદર્શન કર્યુ

ચાર વર્ષથી લંબાતા રોડ-રસ્તા મુદ્દે શાસકોએ લેખિત બાંહેધરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો

વેરાવળમાં આંબેડકર નગરમાં રસ્તાના પ્રશ્ને રહીશોએ પાલીકા કચેરીમાં થાળી-વેલણ સાથે પ્રદર્શન કર્યુ

વેરાવળ તા.૧૮
વેરાવળ નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર-૪ના આંબેડકરનગરના રહીશો દ્વારા રોડ-રસ્તા અને પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો વર્ષોથી લંબાતા હોવાના આક્ષેપ સાથે પાલિકા કચેરીએ ઉગ્ર હલ્લાબોલ કરી થાળી- વેલણ સાથે વિરોધ પ્રદર્શીત કર્યો હતો. આ અંગે અગ્રણી રોહિત વાજાએ જણાવેલ કે, છેલ્લા ચાર વર્ષથી લેખિત અને મૌખિક રજૂઆતો છતાં કોઈ ઠોસ કાર્યવાહી ન થતાં લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. હાડી હરિજન સમાજ પ્રભાસ પાટણના પ્રમુખ રામજીભાઈ ચુડાસમાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં રહીશો એકત્રિત થઈ પાલીકાએ આવ્યા હતા. આ તકે રહીશોના જણાવ્યા મુજબ આંબેડકર નગરને GIDC સાથે જોડતો મુખ્ય માર્ગ છેલ્લા ચાર વર્ષથી અધૂરો હોવાનું રહીશોનું કહેવું છે. રોડ માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે, એજન્સી નિમણૂક પણ થઈ ગઈ છે અને વર્ક ઓર્ડર અપાઈ ગયો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કામ શરૂ ન કરાયું હોવાનો આક્ષેપ કર્યો હતો. રહીશો પાલીકા ઉપપ્રમુખની ચેમ્બરમાં ઘરણાં પર બેસી જઈ પ્રશ્નોના ઉકેલ બાબતે લેખિત બાંહેધરીની માંગ કરી હતી. અંદાજે અડધા કલાક બાદ પાલિકા પ્રમુખ પલ્લવીબેનના પ્રતિનિધિ જયદેવ જાની કચેરીએ દોડી આવ્યા હતા. ત્યારબાદ ચીફ ઓફિસરની ચેમ્બરમાં રજૂઆત કરી હતી.આખરે પરિસ્થિતિની ગંભીરતા સમજી પાલિકા પ્રમુખ દ્વારા ૧૫ મા નાણાં પંચ હેઠળ આંબેડકર નગરના કામો વહેલી તકે શરૂ કરવાની લેખિત ખાત્રી આપતા રહીશો શાંતિપૂર્ણ રીતે પરત ફર્યા હતા. પાલિકાના ચીફ ઓફિસર દેવીબેન ચાવડાએ જણાવ્યું હતું કે, એન્જીનયર દ્વારા સ્થળ પર તપાસ હાથ ધરવામાં આવી છે. રોડનું ટેન્ડર મંજૂર થઈ ચૂક્યું છે અને ટૂંક સમયમાં કામ શરૂ કરવામાં આવશે.