શ્રી પુજિત રૂપાણી ટ્રસ્ટના ‘દીક્ષાગ્રહણ સમારોહ‘માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બાળકોને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા અપાઈ
વિજયભાઈનું સમગ્ર જીવન સાદગી, સત્યનિષ્ઠા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા દ્વારા રાષ્ટ્ર સેવાને સમપિર્ત : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
રાજકોટ તા.૩
વિજયભાઈનું સમગ્ર જીવન સાદગી, સત્યનિષ્ઠા, સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા દ્વારા રાષ્ટ્ર સેવાને સમપિર્ત હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે આમૂલ પરિવર્તન આવ્યું છે. શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા પ્રોજેક્ટ્સના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકાથી ઘટીને ૧ ટકા થયો, ડ્રોપ આઉટ રેશિયો શૂન્ય સુધી લઈ જવા સરકાર સંકલ્પબદ્ધ છે. ‘જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટ’ જરૂરિયાતમંદ અને પ્રતિભાશાળી યુવાનોને રાષ્ટ્ર નિર્માણના શિલ્પી બનાવતી પ્રેરણાદાયી પહેલ; વિકસિત ભારત ૨૦૪૭‘ના સ્વપ્નને સાકાર કરવામાં સેવાભાવી સંસ્થાઓનું યોગદાન અતિ મહત્વપૂર્ણ રહ્યું છે. રાજકોટના શ્રી પુજિત વિજયભાઈ રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘દીક્ષાગ્રહણ સમારોહ‘માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ‘જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ’ અંતર્ગત ગુરૂકુળ પરંપરા મુજબ તેજસ્વી વિદ્યાર્થીઓને વૈદિક વિધિથી શિક્ષણની દીક્ષા આપવામાં આવી હતી. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણીને તેમની જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈનું સમગ્ર જીવન સાદગી, સત્યનિષ્ઠા અને રાષ્ટ્ર સેવાને સમપિર્ત હતું. તેમણે સંવેદનશીલતા, નિર્ણાયકતા અને પ્રગતિશીલતા દ્વારા ગુજરાતની વિકાસ યાત્રાને નવી ઊંચાઈ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૫ વર્ષમાં ગુજરાતના શિક્ષણ ક્ષેત્રે આવેલા આમૂલ પરિવર્તનોનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા પ્રોજેક્ટ્સના પરિણામે રાજ્યમાં ડ્રોપઆઉટ રેશિયો ૩૭ ટકાથી ઘટીને માત્ર ૧ ટકા થયો છે, જેને શૂન્ય સુધી લઈ જવા સરકાર કટિબદ્ધ છે. તેમણે ટ્રસ્ટના ‘બાલ સ્વપ્ન રથ‘ પ્રોજેક્ટને વંચિત બાળકોના સર્વાંગી વિકાસ માટે આશાનું કિરણ ગણાવ્યો હતો. આ ઉપરાંત, આરોગ્ય ક્ષેત્રે વડાપ્રધાનની ‘આયુષ્માન પીએમ-જન આરોગ્ય યોજના‘ની જેમ જ ટ્રસ્ટનો ‘સંજીવની પ્રોજેક્ટ’ પણ નબળા વર્ગના લોકોને પરવડે તેવી ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ આપી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડે છે તેમ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ ‘જ્ઞાન પ્રબોધિની’ અંતર્ગત દીક્ષાગ્રહણ કરનારા તમામ વિદ્યાર્થીઓને ભારતના ઉજ્જવળ ભવિષ્યના શિલ્પી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત @૨૦૪૭’ના સંકલ્પને સાકાર કરવામાં સેવાભાવી સંસ્થાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. આ તકે અંજલીબેન રૂપાણી અને સમગ્ર પરિવારને સ્વ. વિજયભાઈએ પ્રગટાવેલા સેવાયજ્ઞને નિષ્ઠાપૂર્વક આગળ ધપાવવા બદલ મુખ્યમંત્રીએ સમગ્ર પરિવારને બિરદાવ્યા હતા. આ પ્રસંગે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લ અને પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસંગોચિત પ્રેરક સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વ વિજયભાઈ રૂપાણીનું જીવન દર્શન કરાવતી ડોક્યુમેન્ટ્રી અને હોલોગ્રામ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ‘જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટ’માં સહયોગી બનનાર શાળા સંચાલકઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું તેમજ બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવનારા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરાયા હતા. કાર્યક્રમમાં સ્વાગત વિધિ મેહુલ રૂપાણીએ અને આભાર વિધિ હસુભાઈ સોજીત્રા દ્વારા કરવામાં આવી હતી.


