દ્વારકાના જગતમંદિર ખાતે ફૂલડોલ પૂર્વે અલભ્ય શૃંગાર દર્શન-સંધ્યા આરતીમાં અબીલ-ગુલાલનો રંગોત્સવ

દ્વારકાના જગતમંદિર ખાતે ફૂલડોલ પૂર્વે અલભ્ય શૃંગાર દર્શન-સંધ્યા આરતીમાં અબીલ-ગુલાલનો રંગોત્સવ

(પ્રતિનીધિ દ્વારા)
જામ ખંભાળિયા, તા. ૨૭
હોળાષ્ટકનો આરંભ થતા જ દ્વારકાધીશ જગતમંદિરમાં સવારની શૃંગાર આરતી અને સાંજની સંધ્યા આરતી દરમિયાન વિશેષ ભક્તિ ભાવનું દૃશ્ય સર્જાયું છે. ઠાકોરજીને શ્વેત વસ્ત્રાભૂષણ સાથે કેસરમિશ્રિત દ્રવ્યોથી ભરેલી પિચકારી અને અબીલ-ગુલાલની પોટલી અર્પણ કરીને આરતી ઉતારવામાં આવી રહી છે. નિજ સભામંડપ તેમજ મંદિર પરિસરમાં ભાવિકો કાળિયા ઠાકોરના સાનિધ્યમાં ફૂલડોલની આનંદ ભરી ભાવના સાથે અબીલ-ગુલાલ ઉડાડતા નજરે પડે છે. આ અનોખો રંગોત્સવ ૩ માર્ચે સવારે ૧૧ થી ૧૨ વાગ્યા દરમિયાન યોજાનારા મુખ્ય ફૂલડોલ મહોત્સવ સુધી સવાર-સાંજ યથાવત્ રહેશે.
ફુલડોલ મહોત્સવની ગણતરીના દિવસો બાકી હોય, દ્વારકામાં મંગલા આરતીથી અનોસર અને ઉત્થાપનથી શયન સુધી દર્શનાર્થીઓની વિશેષ ભીડ જાેવા મળી રહી છે. ખંભાળિયા, જામનગર, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જુનાગઢ, પોરબંદર, મોરબી, અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, વિરમગામ સહિત રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી લાખો ભાવિકો પગપાળા તથા વાહનો દ્વારા દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યા છે. ખાસ કરીને ભરવાડ અને રબારી સમાજના પદયાત્રીઓ મોટી સંખ્યામાં જાેડાઈ રહ્યા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓની સુરક્ષા અને સુવિધા માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ વિભાગ, કલેક્ટર કચેરી, નગરપાલિકા, દેવસ્થાન સમિતિ તથા સ્વયંસેવી સંસ્થાઓ સંકલિત રીતે કામગીરી બજાવી રહી છે. શહેરમાં ટ્રાફિક નિયંત્રણ માટે એકમાર્ગીય વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. ઉપરાંત યાત્રામાર્ગો પર ભોજન, નાસ્તા, આરામ કેમ્પ, તબીબી સહાય અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
 ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા તરફ પશ્ચિમ ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાંથી ભાવિકોનો અવિરત પ્રવાહ વહેતો જાેવા મળે છે. રાજાધિરાજ દ્વારકાધીશ સાથે ફૂલડોલ ઉજવવાની નેમ લઈને ભક્તો શ્રદ્ધાભેર પધારી રહ્યા છે. શહેરમાં સર્વત્ર ભક્તિમય માહોલ છવાઈ ગયો છે અને આવનારા મુખ્ય ઉત્સવને લઈને ઉમંગ-ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે.