અબાયા પહેરી મસ્જિદ પહોંચેલી મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર થઈ જોરદાર ટ્રોલ

શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદના પરિસરમાં બૂટ પહેરેલી દેખાતાં ભડક્યા યુઝર્સ; નેટિઝન્સે વીડિયો જોઈ ધર્માંતરણ અને રાખી સાવંત સાથે કરી સરખામણી

અબાયા પહેરી મસ્જિદ પહોંચેલી મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર થઈ જોરદાર ટ્રોલ

મુંબઈ, તા.૨૩
બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોડા પોતાની એક તાજેતરની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ભારે ચર્ચામાં આવી છે અને નેટિઝન્સની આકરી ટીકાઓનો સામનો કરી રહી છે. હાલ દુબઈમાં સમય વિતાવી રહેલી મલાઈકાએ ત્યાંની વિશ્વપ્રસિદ્ધ શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની મુલાકાત લીધી હતી, જ્યાં તે પરંપરાગત મુસ્લિમ પરિધાન અબાયામાં જોવા મળી હતી.
મસ્જિદ પરિસરમાં બ્લેક કલરના અબાયા અને મેચિંગ સ્કાર્ફ સાથે બ્લેક ચશ્માં પહેરીને તેણે એક વીડિયો શૂટ કરાવ્યો હતો, જેમાં તે મસ્જિદની સ્થાપત્યકળા અને ભવ્યતાને નિહાળતી જોવા મળે છે. મલાઈકાએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે, “કેટલીક જગ્યાઓ તમને રોકાવા માટે મજબૂર કરી દે છે અને કેટલીક જગ્યાઓ તમને શાંતિનો ઊંડો અનુભવ કરાવે છે. આ જગ્યાએ આ બંને કામ કર્યા.”
જોકે આ વીડિયો સામે આવતાં જ યુઝર્સની નજર મલાઈકાના પગ પર પડી હતી. પરિસરમાં તે બૂટ (શૂઝ) પહેરેલી નજરે પડતાં લોકો હેરાન થઈ ગયા હતા. સામાન્ય રીતે કોઈપણ પવિત્ર કે ધાર્મિક સ્થળે ચંપલ અથવા બૂટ પહેરવા પર મનાઈ હોય છે, જેથી તેના આ અંદાજને લઈને સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો.
નેટિઝન્સે આ પોસ્ટ પર તીખી પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું હતું. એક યુઝરે કટાક્ષ કરતાં લખ્યું કે, “મુસ્લિમ ડ્રેસમાં મૉડલિંગ, આ નવો ડ્રામા બિલકુલ રાખી સાવંત જેવો છે.” અન્ય એક યુઝરે સવાલ ઉઠાવ્યો કે, “તમે ભારતના પ્રસિદ્ધ મંદિરો જેવા કે રામ મંદિર, શ્રી જગન્નાથ મંદિર કે તિરુપતિ બાલાજીમાં કેટલી વાર દર્શન કર્યા છે? મસ્જિદ જવાથી જ તમને આટલી શાંતિ અને ખુશી કેમ મળે છે?” જ્યારે કેટલાક યુઝર્સે તો તેના ધર્માંતરણ અંગે પણ અટકળો લગાવીને પ્રશ્નો પૂછ્યા હતા. પવિત્ર સ્થળ પર શૂઝ પહેરવા અને પરિધાનને લઈને હાલ સોશિયલ મીડિયા પર મલાઈકા ખૂબ ટ્રોલ થઈ રહી છે.