જૂનાગઢમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારની હવે ખેર નથી: પોલીસ તંત્ર એક્શનમાં

સૌરાષ્ટ્ર ભૂમિના અહેવાલ બાદ પોલીસની મહત્વપૂર્ણ બેઠક; ગેરકાયદે રિક્ષાઓ સામે 7 દિવસની ખાસ ડ્રાઇવ, ટ્રાફિક સિગ્નલો ફરી શરૂ થશે અને રાત્રે 10:30 પછી ડીજે વગાડનારાઓ સામે કડક કાર્યવાહી થશે.

જૂનાગઢમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારની હવે ખેર નથી: પોલીસ તંત્ર એક્શનમાં

જુનાગઢ તા.22
જૂનાગઢ શહેરમાં દિવસેને દિવસે ગંભીર બની રહેલી ટ્રાફિક સમસ્યાને લઈને આખરે પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરના મુખ્ય માર્ગો પર સતત વધી રહેલા ટ્રાફિક જામ, આડેધડ પાર્કિંગ, ગેરકાયદેસર રિક્ષાઓની અવરજવર અને ટ્રાફિક નિયમોના ખુલ્લેઆમ ભંગને કારણે સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. આ સમગ્ર મુદ્દે સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યા બાદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તેની ગંભીર નોંધ લેવામાં આવી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ટ્રાફિક વિભાગના ડીવાયએસપી એ.એસ. પટ્ટણી, શહેરના રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો, ડીજે અને મ્યુઝિક સિસ્ટમ સંચાલકો સહિત વિવિધ ક્ષેત્રોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

4 જૂનના રોજ પ્રસિદ્ધ થયેલ સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક અહેવાલ 

બેઠક દરમિયાન શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે હવે ટ્રાફિક નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો પર આડેધડ વાહનો પાર્ક કરનારાઓ, ટ્રાફિકમાં અવરોધ ઊભો કરનારાઓ તેમજ નિયમોનું પાલન ન કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રિક્ષા એસોસિએશન સાથેની ચર્ચામાં રિક્ષાઓ પર યોગ્ય નંબર પ્લેટ લગાવવા, નિયત સ્થળોએ જ પાર્કિંગ કરવાની અને ટ્રાફિકને અવરોધરૂપ બને તેવી પ્રવૃત્તિઓ ટાળવાની સૂચનાઓ આપવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી શહેરમાં બહારથી આવતી ગેરકાયદેસર રિક્ષાઓ અંગે સ્થાનિક રિક્ષા ચાલકો દ્વારા રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા આગામી સાત દિવસ માટે વિશેષ ડ્રાઇવ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અભિયાન દરમિયાન લાયસન્સ વગર ચાલતી રિક્ષાઓ, ખામીવાળી નંબર પ્લેટ ધરાવતા વાહનો અને નિયમોનો ભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
બેઠકમાં શહેરના બંધ હાલતમાં પડેલા ટ્રાફિક સિગ્નલોનો મુદ્દો પણ ચર્ચામાં રહ્યો હતો. લાખો રૂપિયાના ખર્ચે સ્થાપિત કરાયેલા ટ્રાફિક સિગ્નલોને ફરી કાર્યરત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જેથી શહેરમાં ટ્રાફિકનું સંચાલન વધુ અસરકારક રીતે થઈ શકે.
બીજી તરફ ડીજે અને મ્યુઝિક સિસ્ટમ સંચાલકોને પણ કડક સૂચનાઓ આપવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા જણાવાયું હતું કે સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા અને કલેક્ટરના જાહેરનામા મુજબ રાત્રે 10:30 વાગ્યા પછી ડીજે વગાડવાની મંજૂરી નહીં હોય. જો કોઈ વ્યક્તિ અથવા સંસ્થા આ નિયમનો ભંગ કરશે તો તેમની સામે વોઇસ પોલ્યુશન એક્ટ તથા અન્ય લાગુ કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવશે. જાહેર માર્ગો પર ડીજે વગાડીને જાહેરાતો કરનારાઓને પણ આ પ્રકારની પ્રવૃત્તિ તાત્કાલિક બંધ કરવા સૂચના આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન પોલીસ તંત્ર દ્વારા પ્રમાણિક રિક્ષા ચાલકોની કામગીરીની પણ પ્રશંસા કરવામાં આવી હતી. મુસાફરો દ્વારા રિક્ષામાં ભૂલી જવાયેલી કિંમતી વસ્તુઓ તેમના મૂળ માલિકોને પરત પહોંચાડવામાં અનેક રિક્ષા ચાલકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. આવા પ્રમાણિક રિક્ષા ચાલકોને અભિનંદન પાઠવતા પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે સમાજમાં વિશ્વાસ અને સહકારનું વાતાવરણ જાળવવા આવી કામગીરી પ્રેરણાદાયી છે.
પોલીસ તંત્રએ વધુમાં જણાવ્યું હતું કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મહાનગરપાલિકા સાથે પણ સંકલન કરવામાં આવશે. રિક્ષા સ્ટેન્ડ, પાર્કિંગ વ્યવસ્થા અને અન્ય ટ્રાફિક સંબંધિત મુદ્દાઓ અંગે સંયુક્ત બેઠક યોજી જરૂરી પગલાં લેવામાં આવશે.
જૂનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પોલીસનો હેતુ કોઈને હેરાન કરવાનો નથી, પરંતુ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સામાન્ય નાગરિકોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળે તે છે. આવનારા દિવસોમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓ સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે અને શહેરને ટ્રાફિક મુક્ત બનાવવા માટે તમામ જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવશે.