અંબાજી મંદિરની સીડી ઉપર કચરાનાં ગંજ ખડકાયા : ભાવિકોમાં તીવ્ર રોષ
છેલ્લા કેટલાય દિવસો થયા સફાઈ થઈ ન હોવાની વ્યાપક ફરીયાદ : સંબંધીત તંત્ર દ્વારા તત્કાલ કાર્યવાહી કરવા માંગણી
જૂનાગઢ તા. ર૧
ગરવા ગીરનાર પર્વત ઉપર બીરાજતા અંબાજી માતાજીનાં મંદિર તરફ જવા માટેની સીડીઓનાં પગથીયા ઉપર ઠેર ઠેર કચરાના ગંજ ખડકાયા છે અને જેને લઈને ભાવિકોમાં ભારે રોષની લાગણી પ્રગટી છે. આ અંગે તાત્કાલીક અસરથી સંબંધીત તંત્ર દ્વારા સફાઈ અંગેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. ગીરનાર પર્વત ઉપર આવેલ અંબાજી માતાજીનું મંદિર શકિતપીઠ છે અને જયાં વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે આવે છે પાવનકારી અને પવિત્ર ધામ એવા અંબાજી મંદિર તરફ પગપાળા જવાનો એકમાત્ર માર્ગ એટલે ગીરનારની સીડીઓ છે. આ સીડીઓનાં પપ૦૦ પગથીયા ચડીને હજારો ભાવિકો પોતાની માનતા પુરી કરે છે અને માતાજીનાં દર્શનનો લાભ લે છે. ગીરનાર રોપ-વે કાર્યરત થયો છે ત્યારે રોપ-વે મારફત પણ હજારો ભાવિકો માતાજીનાં દર્શનાર્થે જતા હોય છે. પરંતુ સાથે સાથે પગથીયાનો પગપાળા પ્રવાસ કરી અને હજારો ભાવિકો અંબાજી માતાજીનાં મંદિરમાં દર્શન માટે પહોંચે છે. અને પોતાની માનતાઓ પુરી કરે છે.
ભાવિકોની આસ્થાનાં કેન્દ્ર એવા ધાર્મિક સ્થળનો સઘળો વહીવટ હાલ વહીવટદાર હસ્તક છે અને તેનું સંચાલન વહીવટદાર દ્વારા કરવામાં આવી રહયું છે. ચૈત્ર માસની નવરાત્રીનું પર્વ ચાલી રહયું છે ત્યારે માઈ ભકતો અંબાજી માતાજીનાં મંદિરે દર્શન માટે જતા હોય છે અને પગપાળા પદયાત્રા કરીને રોજના મોટી સંખ્યામાં ભાવિકો દર્શનાર્થે જાય છે. ગીરનારની સીડી ઉપર હાલ ઠેર ઠેર કચરાનાં ગંજ ખડકાયા છે જેને લઈને ભાવિકોની લાગણી દુ:ભાઈ છે. છેલ્લા કેટલાય દિવસો થયા સફાઈ થતી ન હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. આ બાબતે સંબંધીત તંત્ર દ્વારા ગીરનારની સીડી ઉપર સફાઈની તાત્કાલીક ધોરણે વ્યવસ્થા કરે તેવી લાગણી ભાવિકોમાં પ્રવર્તી રહી છે.


