ક્યાં ખોવાઈ ગઈ આંગણાની ચકલી ? આજે ‘વિશ્વ ચકલી દિવસ‘
કોંક્રિટના જંગલો વચ્ચે લુપ્ત થતો ચકલીઓનો કિલકિલાટ પર્યાવરણના સંતુલન માટે ચકલીનું જતન અનિવાર્ય
એક સમય હતો જ્યારે દિવસની શરૂઆત ઘરના આંગણે કે બારીમાં બેસીને ‘ચીં... ચીં...’ કરતી ચકલીઓના મધુર કિલકિલાટથી થતી હતી. ગોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોવાળું આ પક્ષી દરેકનું પ્રિય છે. પરંતુ અત્યારે કોંક્રિટના વધતા જતા જંગલ વચ્ચે અનેક કારણોસર આ પક્ષી પણ લુપ્ત થવાના આરે છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે ૨૦ માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. વિશ્વ ચકલી દિવસનો ઇતિહાસ જોઈએ તો નેચર ફોરેવર સોસાયટી ઓફ ઈન્ડિયા અને ઈકો એસવાયએસ એક્શન ફાઉન્ડેશન ઓફ ફ્રાન્સના સહયોગથી ૨૦ માર્ચ ૨૦૧૦ના રોજ આ દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીનો શ્રેય નાસિકના મોહમ્મદ દિલાવરને જાય છે, જેમણે ઘરની ચકલીઓ માટે વિશેષ સંભાળ માટે અભિયાન શરૂ કર્યું હતું. આજે ૪૦થી વધુ રાષ્ટ્રો આ દિવસની ઉજવણી કરે છે. ચકલી માનવજાત માટે પણ લાભદાયી પક્ષી છે. તે ખોરાક અને પર્યાવરણીય સંતુલન જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીજ, અનાજ અને લાર્વા ખાવાથી આ પક્ષી અસરકારક જંતુ નિયંત્રણ એજન્ટ સાબિત થાય છે. તે ખોરાકની શોધ કરતી વખતે છોડના ફૂલો પર પણ બેસે છે જેનાથી પરાગ ધાન્યમાં પરોક્ષ રીતે મદદ કરે છે. ચકલીઓ વિશેની રસપ્રદ વાત એ છે કે તેઓ હંમેશા માનવ વસાહતોમાં ટોળાઓમાં રહે છે. અમુક પરિસ્થિતિમાં તેઓ પાણીમાં ઝડપી તરી શકે છે. ચકલી સ્વભાવે સુરક્ષાત્મક હોય છે અને નર ચકલી માદા ચકલીને આકર્ષવા માટે મહેનતથી માળો બાંધે છે. ઘરની ચકલી શહેરી અથવા ગ્રામીણ વાતાવરણમાં રહી શકે છે કારણ કે તેઓ માનવ વસવાટો સાથે સંકળાયેલી હોય છે. તેઓ જંગલો, રણ અને ઘાસના મેદાનો સુધી મર્યાદિત હોતી નથી પરંતુ વિવિધ આવાસ અને આબોહવામાં વ્યાપકપણે રહે છે. ચકલીની સરેરાશ ઉંમર ૪ થી ૫ વર્ષની હોય છે. ચકલીઓને ફરી આપણા આંગણે લાવવા માટે આપણે પણ અમુક બાબતો અવશ્ય કરવી જોઈએ. જો તમારા ઘરની ટેરેસ કે બાલ્કનીમાં પક્ષીઓ આવતા-જતા હોય તો તેમના માટે વાસણમાં ખોરાક અને પાણી અવશ્ય રાખવું. જેનાથી પક્ષીઓને સમયસર ખોરાક મળશે પરંતુ ધ્યાન રાખો કે સમયાંતરે પાણી બદલતા રહો અને ઉનાળામાં પાણીના વાસણને ખાલી ન રાખો અને શક્ય હોય તો માટીનું વાસણનું ઉપયોગ કરવું. આજના દિવસે આપણે સંકલ્પ કરીએ કે માત્ર ૨૦ માર્ચ પૂરતી જ નહીં, પણ આખું વર્ષ આ નાનકડા જીવની દરકાર રાખીશું. જો ચકલી બચશે, તો જ આપણી આવનારી પેઢી કુદરતના આ મધુર સંગીતનો આનંદ માણી શકશે.


