ઈરાન-અમેરીકા વચ્ચે યુધ્ધના વાદળો ઘેરાયા : હોર્મુઝની નાકાબંધી ઉઠાવવાના ટ્રમ્પના ઈન્કારથી સ્થિતિ વણસી

ઈરાન-અમેરીકા વચ્ચે યુધ્ધના વાદળો ઘેરાયા : હોર્મુઝની નાકાબંધી ઉઠાવવાના ટ્રમ્પના ઈન્કારથી સ્થિતિ વણસી

(એજન્સી)      વોશીંગ્ટન તા.૩૦:
અમેરિકા-ઈરાન વચ્ચેની વાટાઘાટો ફરી અટકી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના નવા પ્રસ્તાવને નકારી કાઢયો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તેહરાન પરમાણુ કરાર માટે સંમત નહીં થાય ત્યાં સુધી હોર્મુઝમાં નૌકાદળ નાકાબંધી ચાલુ રહેશે. ટ્રમ્પે તેને બોમ્બમારા કરતાં વધુ અસરકારક ગણાવ્યું હતું, અને કહ્યું હતું કે તે ઈરાન પર દબાણ વધુ વધારશે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાં હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને નાકાબંધી હટાવવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ તેને મંજૂરી આપવામાં આવી ન હતી. દરમિયાન, ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સ (IRGC) એ અમેરિકાને સીધી ધમકી આપી છે કે જો અમેરિકા કોઈ નવી લશ્કરી કાર્યવાહી કરશે, તો અમેરિકાના નૌકાદળના જહાજોને સમુદ્રમાં સળગાવી દેવામાં આવશે.
IRGCએ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે તે એકલા નહીં, પરંતુ સમગ્ર રેઝિસ્ટન્સ ફ્રન્ટ સાથે જવાબ આપશે, જે પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે જોડાયેલા અનેક જૂથોનું નેટવર્ક છે, જે સંઘર્ષને બહુ-મોર્ચે યુદ્ધમાં પરિણમી શકે છે. IRGCના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું, જો અમેરિકા તેની ભૂલનું પુનરાવર્તન કરશે, તો અમે અમારી બધી શક્તિનો ઉપયોગ કરીશું અને નવી પદ્ધતિઓ સાથે જવાબ આપીશું.