ક્રુડ ઓઈલના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો

ક્રુડ ઓઈલના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો

(એજન્સી)    નવી દિલ્હી તા.25:
અમેરીકા-ઈરાન વચ્ચે કરાર થવાની આશાઓ વધી રહી છે ત્યારે સોમવારે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઘટાડો થયો હતો. ૨૫ મે, સોમવારે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ બે અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યા હતા. હોર્મુઝ સ્ટ્રેટ પર લાદવામાં આવેલા પ્રતિબંધો જેવા મુખ્ય મુદ્દાઓ પર યુએસ અને ઈરાન વચ્ચે મતભેદો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન અને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધો ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસના વૈશ્વિક પુરવઠામાં નોંધપાત્ર વિક્ષેપો લાવી રહ્યા છે, જેના કારણે કિમતો આસમાને પહોંચી રહી છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે જણાવ્યું હતું કે વોશિગ્ટન અને તેહરાન વચ્ચે શાંતિ કરાર માટે સમજૂતી કરાર (MoU) પર વાટાઘાટો નોંધપાત્ર રીતે પૂર્ણ થઈ ગઈ છે. આ કરાર હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલશે. મધ્ય પૂર્વમાં તણાવ ફાટી નીકળ્યો તે પહેલાં, વિશ્વભરમાંથી તેલ અને LNGના લગભગ પાંચમાંથી એક શિપમેન્ટ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતું હતું.