અમેરીકી ડોલરનું વર્ચસ્વ હવે છેલ્લા દિવસો ગણી રહ્યું છે : રોબર્ટ કિઓસાકીની ખતરનાક ભવિષ્યવાણી
ઈરાન-ચીન વચ્ચેના તેલ કરારથી વિશ્વને ભયાનક આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે
(એજન્સી) ન્યૂયોર્ક તા.25:
વિશ્વપ્રસિદ્ધ બેસ્ટ સેલર પુસ્તક ‘રીચ ડેડ પુઅર ડેડ’ ના લેખક અને જાણીતા નાણાકીય નિષ્ણાત રોબર્ટ કિયોસાકીએ વૈશ્વિક અર્થતંત્ર અને અમેરિકી ડોલરના ભવિષ્યને લઈને એક અત્યંત ડરામણી અને ગંભીર ભવિષ્યવાણી કરી છે. રોબર્ટ કિયોસાકીએ દાવો કર્યો છે કે વૈશ્વિક બજારમાં અમેરિકી ડોલરનું આધિપત્ય (Dollar Hegemony) હવે પોતાના અંતિમ દિવસો ગણી રહ્યું છે અને ટૂંક સમયમાં જ વિશ્વએ એક અભૂતપૂર્વ અને ભયાનક આર્થિક કટોકટીનો સામનો કરવો પડશે. આ કટોકટીની શરૂઆત મધ્ય પૂર્વના દેશ ઈરાન અને એશિયાની મહાસત્તા ચીન વચ્ચે થયેલા નવા આર્થિક કરારથી થઈ ચૂકી છે. આ આંતરરાષ્ટ્રીય વિવાદની વિગત એવી છે કે, ઈરાને અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોનો જડબાતોડ જવાબ આપવા માટે એક મોટો વ્યુહાત્મક ર્નિણય લીધો છે. ઈરાને હવેથી ચીનને વેચવામાં આવતા ક્રૂડ ઓઈલની ચૂકવણી અમેરિકી ડોલરને બદલે ચીનના સત્તાવાર ચલણ ‘યુઆન’માં સ્વીકારવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી વૈશ્વિક સ્તરે તેલનો તમામ વેપાર માત્ર પેટ્રો-ડોલર હેઠળ જ થતો હતો, પરંતુ ઈરાન અને ચીનના આ પગલાથી આંતરરાષ્ટ્રીય બજારમાંથી ડોલરની પકડ ઢીલી થઈ રહી છે.


