બાંગ્લાદેશમાં છેલ્લા ૧૮ દિવસમાં ૬ હિન્દુઓની હત્યા : ગતરાત્રે હિન્દુ દુકાનદારની હત્યા કરાઈ
(એજન્સી) ઢાકા તા.૦૬
બાંગ્લાદેશના નરસિંદી જિલ્લામાં ગતરાત્રે એક હિન્દુ દુકાનદારની તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી. મૃતકની ઓળખ ૪૦ વર્ષીય શરત ચક્રવર્તી મણિ તરીકે થઈ છે. સ્થાનિક મીડિયા મુજબ, છેલ્લા ૧૮ દિવસમાં આ છઠ્ઠા હિન્દુ વ્યક્તિની હત્યા કરી છે. રિપોર્ટ અનુસાર, શરત ચક્રવર્તી મણિ પલાશ ઉપજિલ્લાના ચારસિંઘુર બજારમાં પોતાની કરિયાણાની દુકાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ધારદાર હથિયારોથી હુમલો કર્યો અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. ગંભીર રીતે ઘાયલ મણિને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ રસ્તામાં જ તેમનું મૃત્યુ થયું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સ્થાનિક મીડિયા અનુસાર, ૧૯ ડિસેમ્બરે મણિએ ફેસબુક પર એક પોસ્ટ લખીને દેશમાં વધતી હિંસા પર ચિંતા વ્યક્ત કરી હતી અને પોતાના વિસ્તારને મોતની ઘાટી ગણાવ્યો હતો. બાંગ્લાદેશમાં હિન્દુ વિરોધી સતત વધી રહેલી હિંસામાં છેલ્લા ૨૪ કલાકમાં બીજા હિન્દુની હત્યા થતા ભારત સમસમી ગયુ છે છેલ્લા ૧૮ દિવસમાં આ પ્રકારની છઠ્ઠી ઘટના બની છે તથા આ દેશમાં હિન્દુ લઘુમતીઓ પરના હુમલામાં સરકારનો કોઈ અંકુશ જ નહી હોવા જેવી સ્થિતિ બની છે તો એક હિન્દુ વિધવા મહિલા પણ આ પ્રકારે સાંપ્રદાયિક ધૃણાનો શિકાર બની છે.


