ઉના તાલુકાના પશવાલા ગામના સરપંચને બે વ્યકિતએ છરીના ઘા માર્યા

સરપંચની સ્થિતિ ગંભીર : રાજકોટ સારવાર માટે ખસેડાયા : બે સામે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

ઉના તાલુકાના પશવાલા ગામના સરપંચને બે વ્યકિતએ છરીના ઘા માર્યા

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.ર૪
ઉના તાલુકાના પશવાલા ગામના સરપંચ ભીમાભાઇ વિસાભાઇ જાદવ(ઉ.વ.૬૩) પોતાની મોટરસાયકલ ઉપર ઉના કામ પતાવી તેમની પાછળ વીરાભાઇ હાજાભાઇ લેવા રે.પશવાલાને પાછળ બેસાડી પશવાલા ગામ આવતા હતા ત્યારે ગાંગડા ગામ પહેલા ઘેલા બાપાની ડેરી પાસે પહોંચેલ ત્યારે તેમની પાછળ એક મોટરસાયકલ ઉપર ડબલ સવારીમાં આવતા બે લોકોએ પીછો કરી ભીમભાઇને રોકવી પ્રવીણભાઈ જીલુભાઈ મકવાણા રે.ગાંગડાએ કહેલ કે પશવાલા ગામ પાસે નાળા પાસે ગટરનું કામ કેમ બાકી છે, કેમ પુરૂ કરતા નથી. તો સરપંચ ભીમભાઇએ કહેલ કે કામ ગ્રામપંચાયત હસ્તક નથી પીડબલ્યુડી હસ્તક કામ છે, મને ખબર નથી મારા કાર્યક્ષેત્રમાં આવતું નથી તેમ કહેતા આરોપી પ્રવીણભાઈ ઉશ્કેરાઇ જઈ જોઈ લેવાની ધમકી આપી પાછળ બેસેલ એક અજાણ્યા શખ્સને છરી મારવાનું કહેતા અજાણ્યા શખ્સએ તેમની પાસે રહેલ છરી ભીમભાઇને પડખામાં આડેધડ ઘા મારતા ભીમભાઈ રોડ ઉપર લોહી લુહાણ હાલતમાં મોટરસાયકલ ઉપરથી પડી ગયા હતા. પાછળ બેઠેલ વીરાભાઇ તેમને નજીક આવેલ જય માતાજી હોટલ સુધી લઇ ગયેલ અને અન્યને ફોન કરતા સનખડાના સરપંચ સહીત લોકો આવી ગયા હતા અને સારવાર માટે ઉના ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે ફેફસા અને લીવરમાં ગંભીર ઇજા હોય રાજકોટ સારવાર માટે લઇ જવાયા હતા. સારવાર ચાલુ છે. ફરિયાદી વીરાભાઇ હાજાભાઈ લેવા(ઉ.વ.૬૩) રે. પશવાલાએ પ્રવીણભાઈ જીલુભાઈ મકવાણા રે. ગાંગડા અને અજાણ્યા એક શખ્સ સામે જીવલેણ હુમલો કરી ભીમભાઇને ગંભીર ઇજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસએ હત્યાની કોશિશ અને વિગેરે કલમો લગાડી ગુનો દાખલ કરી આરોપીને પકડવા તજવીજ શરૂ કરી છે.