લાંચખોરી સામે એસીબીનો વધુ એક પ્રહાર ઉના પોલીસ સ્ટેશનમાં જીઆરડી જવાન રૂા.500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ચાર દિવસમાં ગીર સોમનાથમાં લાંચખોરીનો બીજો કિસ્સો : અગાઉ એસટી બસનો કંડક્ટર પણ એસીબીની ટ્રેપમાં ઝડપાયો હતો

લાંચખોરી સામે એસીબીનો વધુ એક પ્રહાર ઉના પોલીસ સ્ટેશનમાં જીઆરડી જવાન રૂા.500ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

(પ્રતિનિધિ દ્વારા)
ઉના તા.17
ગીર સોમનાથ જિલ્લામાં લાંચખોરીના બનાવો  સામે એસીબી સતત સક્રિય બની છે. ચાર દિવસ અગાઉ ઉના-જખોબંદર રૂટના એસટી બસના કંડક્ટરને રૂા.2,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા બાદ હવે ઉના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જીઆરડી જવાનને પણ પોરબંદર એસીબીએ ટ્રેપ ગોઠવી ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, ઉના તાલુકાના મોટા ડેસર ગામના રહેવાસી અને GRD જવાન સંજય કરશન મકવાણા સામે એક અરજદારે પોરબંદર એસીબીમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચાલ-ચલગતનો દાખલો (કેરેક્ટર સટિર્ફિકેટ) કઢાવી આપવા બદલ સંજય મકવાણાએ અરજદાર પાસેથી રૂા.1,000ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદના આધારે પોરબંદર એસીબીએ પ્રાથમિક ચકાસણી હાથ ધરી હતી. માંગણીની પુષ્ટિ થતાં અધિકારીઓએ ટ્રેપ ગોઠવી હતી. ટ્રેપ દરમિયાન ઉના પોલીસ સ્ટેશનમાં જ અરજદાર પાસેથી રૂા.500ની લાંચ સ્વીકારતા સંજય કરશન મકવાણાને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. એસીબી દ્વારા સમગ્ર ઘટનાની વધુ તપાસ કરવામાં આવી રહી છે તેમજ લાંચની માંગણીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, માત્ર ચાર દિવસ અગાઉ જ ઉના-જખોબંદર રૂટના એસટી બસના એક કંડક્ટરને પાર્સલ સંબંધિત કામમાં રૂા.2,000ની લાંચ લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યો હતો. ટૂંકા ગાળામાં ગીર સોમનાથ જિલ્લામાં સરકારી ફરજ બજાવતા બે કર્મચારીઓ લાંચ લેતા ઝડપાતા ભ્રષ્ટાચાર સામે એસીબીની સતત કાર્યવાહી ચર્ચાનો વિષય બની છે.