પરબધામ ખાતે અષાઢી બીજની ભકિતભાવ પૂર્વક ઉજવણી : લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા
ઉર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઇ વેકરીયા પરબધામ ખાતે અષાઢી બીજના મહોત્સવમાં સહભાગી બન્યાં: મંદિરે દેવીદાસ બાપુ, અમર માં સહિતના સંતોની સમાધિ સ્થાનોએ ભાવપૂર્વક દર્શન કર્યા : મહાઆરતીમાં જાેડાયા
જૂનાગઢ તા. 17
અષાઢી બીજ પર્વની ગઈકાલે જૂનાગઢ સહીત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં ભાવભેર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અને સવારથી જ અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતાં. પૂજન, ધ્વજારોહણ, સમુહ પ્રસાદ ભોજન સહીતનાં કાર્યક્રમોમાં ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. દરમ્યાન ભેંસાણનાં પરબધામ ખાતે પણ અષાઢી બીજ પર્વની ઉજવણી થઈ હતી. ગાદીપતિ પૂ. કરશનદાસ બાપુનાં માર્ગદર્શન હેઠળ દર વર્ષની માફક આ વર્ષે પણ અષાઢી બીજ પર્વ અને મેળા સહીતનાં કાર્યક્રમો યોજાયા હતાં. ભક્તિ અને સેવાની આગવી પરંપરા અને ઇતિહાસ ધરાવતા પરબધામ ખાતે અષાઢી બીજના મહોત્સવમાં ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા સહભાગી બન્યા હતા. ઉર્જા રાજ્ય મંત્રીએ અષાઢી બીજના પાવન પર્વે પરબધામ ખાતે મહાઆરતીમાં ભાગ લીધો હતો તેમજ સંત શ્રી દેવીદાસ બાપુ, અમર માં સહિતના સંતોના સમાધિ સ્થાનકોએ શીશ નમાવી ભાવપૂર્વક દર્શન કર્યા હતા. આ મુલાકાત દરમ્યાન ઊર્જા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ પરબધામના પરમ પૂજ્ય મહંત કરસનદાસ બાપુ સાથે મુલાકાત કરી તેમના આશીર્વાદ મેળવ્યા કર્યા હતા. આ સાથે જ તેમણે પરબધામની વર્ષો જૂની અને અવિરત ચાલતી લોકસેવાની પરંપરાના સંદર્ભમાં સત્સંગ કર્યો હતો. રાજ્યમંત્રીએ આ મુલાકાત દરમ્યાન મુક્તાનંદ બાપુ અને શેરનાથ બાપુના પણ આશીર્વાદ મેળવ્યા હતા. અવિરત સદાવ્રત માટે જાણીતા પરબધામ ખાતે ભોજન સેવાનું અનેરું મહત્વ છે. ઊર્જા રાજ્ય મંત્રીએ અહીં ભોજન સેવા આપી રહેલા સ્વયંસેવકો વચ્ચે જઈને તેમની નિ:સ્વાર્થ સેવા ભાવનાને બિરદાવી હતી. તેમણે પોતે પણ ભોજન સેવામાં જાેડાઈને એક સ્વયંસેવકની જેમ શ્રદ્ધાળુઓને ભાવપૂર્વક પ્રસાદ પીરસ્યો હતો. આ ઉપરાંત, તેમણે રસોડા વિભાગની મુલાકાત લઈ સ્વયંસેવકો સાથે રોટલી શેકવા સહિતની પ્રત્યક્ષ સેવા પણ કરી હતી. ઉર્જા રાજ્ય મંત્રીની સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જૂનાગઢના મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, લાઠીના ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, મનન અભાણી, જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા,અતુલભાઇ કાનાણી સહિતના અગ્રણી પદાધિકારીઓ જાેડાયા હતાં. ઉલ્લેખનીય છે કે, અનેક દાયકાઓ પહેલાં સંત દેવીદાસ બાપુ અને અમર માં સહિતના પૂજ્ય સંતોએ પરબધામની પવિત્ર ભૂમિ પર તત્કાલીન સમયમાં સમાજ દ્વારા બહિષ્કૃત કરાયેલા રક્તપિત્તના દર્દીઓની સેવા-સુશ્રુષા કરવા તેમજ ભૂખ્યાને ભોજન આપવાની પરંપરા શરૂ કરી હતી.


