ભાજપ શાસિત બાંટવા નગરપાલિકાનાં પ્રમુખ સુનિલ જેઠવાણી પર ભાજપનાં કાર્યકર રામા ગળચરે હુમલો કર્યો : ઈજાગ્રસ્ત હાલતમાં જૂનાગઢ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા
જૂનાગઢ તા.૭
ભાજપ શાસિત બાંટવા નગરપાલિકાનાં પ્રમુખ સુનિલ જેઠવાણી પર આજે બપોરે હુમલો કરી બેફામ માર મારવાની ઘટના બનતા બાંટવા પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ બનાવમાં સુનિલ જેઠવાણીએ રામભાઈ રાજાભાઈ ગળચર (રબારી) નામના ભાજપનાં જ કાર્યકરે તેમના ઉપર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. આ સમગ્ર ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ રામભાઈ રબારી અને તેમની સાથેની અન્ય વ્યકિતએ સુનિલ જેઠવાણી ઉપર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે. ઈજાગ્રસ્ત સુનિલ જેઠવાણીને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પીટલ માટે ખસેડવામાં આવેલ છે. આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ બે દિવસ અગાઉ રામભાઈનાં છોકરા ઉપર એક રીક્ષા પલ્ટી જતા તેના બંને પગમાં ઈજા થઈ હતી જેનો ખાર રાખી આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. રામભાઈ ગળચરે બાંટવા શહેરનાં બિસ્માર રસ્તાઓ અંગે નગરપાલિકાનાં પ્રમુખ સુનિલ જેઠવાણીને રજુઆત પણ કરી હતી પરંતુ તેમ છતાં કોઈ ધ્યાન આપવામાં નહી આવતા અને રામભાઈનાં છોકરા ઉપર રીક્ષા પલ્ટી જતાં પગે ઈજા થતાં તેનો વ્યકિગત ખાર રાખી સુનિલ જેઠવાણી પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
આ બનાવ અંગે બાંટવા શહેર ભાજપ પ્રમુખ રાજુ વાધવાણી તેમજ પૂર્વ પ્રમુખ ગણપત મોરીએ એક નિવેદન જારી કરી રામ રાજા ગળચર દ્વારા નગરપાલિકાનાં પ્રમુખ સુનિલ જેઠવાણી ઉપર હુમલો કરવામાં આવ્યો છે તે અંગે આરોપી સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. રામા રાજા ગળચર પણ ભાજપનાં કાર્યકર છે અને ભાજપનાં કાર્યકરે જ નગરપાલિકાનાં પ્રમુખ ઉપર હુમલો કરતા તેના ગંભીર પ્રત્યાઘાતો સર્જાઈ રહયા છે. બાંટવા નગરપાલિકાની બેદરકારીને કારણે રામભાઈનાં બાળક ઉપર રીક્ષા પલ્ટી ગઈ હતી અને બાળક ઈજાગ્રસ્ત થયો હતો તેનો વ્યકિગત ખાર રાખીને ઉપરોકત હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાય રહયું છે.




