જૂનાગઢમાં નીચલા દાતારથી વિલીંગ્ડન ડેમ સુધીનાં રસ્તાની અત્યંત બિસ્માર હાલત
રસ્તામાં ઠેર-ઠેર ખાડા, બંને સાઈડમાં રસ્તાનું ધોવાણ, અકસ્માતનો સતત ભય : વહેલી તકે માર્ગ રીપેર કરવાની માંગણી સાથે ઉપલા દાતારની જગ્યાનાં મહંત ભીમબાપુએ મનપાના સત્તાધીશોને રજુઆત કરી
જૂનાગઢ તા. ર૭
જૂનાગઢ શહેરમાં નીચલા દાતારથી વિલીંગ્ડન ડેમ તરફ જવાનાં માર્ગની હાલત અત્યંત ખરાબ છે. આ માર્ગને વહેલી તકે રીપેર કરવાની માંગણી સાથે ઉપલા દાતારની જગ્યાના મહંત પૂ.ભીમબાપુએ મનપાના સત્તાધીશોને રજુઆત કરી છે. જૂનાગઢ શહેરનાં અત્યંત રમણીય સ્થાન અને નવાબી શાસન સમયની સોનેરી યાદ સમા વિલીંગ્ડન ડેમ શહેરીજનો તેમજ બહારથી આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહેલ છે. પહાડોની વચ્ચે વનરાજીનાં કુદરતી સૌંદર્ય ધરાવતા સ્થળ ઉપર જૂનાગઢના તત્કાલીન નવાબનાં સમયકાળમાં વિલીંગ્ડન ડેમ બનાવવામાં આવ્યો હતો. આ ડેમ એવો મજુબત રીતે બનાવવામાં આવેલ છે કે આજે ૧૦૦ વર્ષે પણ અડગ ઉભો છે. ચોમાસાનાં દિવસો દરમ્યાન વિલીંગ્ડન ડેમનો નજારો નિહાળવા માનવ મહેરામણ ઉમટી પડે છે એવું સુંદર મજાનું આ સ્થળ છે હવે જાેવાની મુખ્ય વાત એ છે કે, વિલીંગ્ડન ડેમ તરફ જવા માટેનો જ માર્ગ છે. તે માર્ગ એટલે નીચલા દાતારથી વિલીંગ્ડન ડેમ જવાનો માર્ગ આ માર્ગ છેલ્લા બે વર્ષ થયા રીપેર કરવામાં આવ્યો નથી. વિલીંગ્ડન ડેમ તરફ જવાનાં આ માર્ગ ઉપર એટલે કે ડેમની પાસે જ કોમી એકતાનાં પ્રતિક સમી ઉપલા દાતાર બાપુની પાવનકારી અને પવિત્ર જગ્યા આવેલી છે. પૂ.દાતારબાપુનાં દર્શને શ્રધ્ધાળુઓ, ભાવિકો મોટી સંખ્યામાં આવતા રહે છે. જયાં જગ્યાના ગાદીપતિ પૂ.ભીમબાપુનાં માર્ગદર્શન હેઠળ સેવક ગણ દ્વારા અહીં દર્શને આવતા શ્રધ્ધાળુઓને માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપલા દાતાર બાપુની જગ્યા ખાતે દાતારબાપુનાં ઉર્ષ મેળાનો પ્રસંગ પણ ભક્તિભાવ પુર્વક યોજવામાં આવે છે. અને મોટી સંખ્યામાં ભાવિકો -સેવકો મોટી સંખ્યામાં દર્શનનો લાભ લે છે.

ઉપલા દાતારબાપુની જગ્યા ખાતે વર્ષ દરમ્યાન લાખો શ્રધ્ધાળુઓ દર્શન માટે આવે છે અને દાતારબાપુનાં આશીર્વાદ સાથે તેમની મનોકામના પુર્ણ થાય છે. પૂ.દાતારબાપુનાં દર્શને ભાવિકોની કાયમી અવર-જવર રહે છે તો બીજીતરફ વિલીંગ્ડન ડેમ સાઈટ ફરવા આવનાર પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. ત્યારે નીચલા દાતારથી વિલીંગ્ડન ડેમ સાઈટ જવાનો જે માર્ગ છે તેની હાલત ખુબજ ખરાબ છે. રસ્તાની બંને સાઈડ ઉખડી ગયેલ છે તો રસ્તો પણ ખાડા-ખબડાવાળો હોવાના કારણે આ માર્ગ ઉપર પસાર થવું એટલે જાેખમ ભરેલું જણાય. વાહન લઈને જનારા માટે અકસ્માતનો સંભવિત ભય રહેલો છે. દરમ્યાન નીચલા દાતારથી વિલીંગ્ડન ડેમ તરફનાં અત્યંત બિસ્માર માર્ગને વહેલી તકે રીપેર કરવાની માંગણી સાથે ઉપલા દાતાર બાપુની જગ્યાનાં મહંત પૂ.ભીમબાપુએ જૂનાગઢ મનપાના સત્તાધીશોને રજુઆત કરી છે. અને વહેલી તકે રસ્તા અંગેની કામગીરી હાથ ધરવા માંગ કરી છે.


