વૉન્ટેડ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને ઝડપી લેતી પોલીસ
જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે અજમેરના આદર્શનગર ખાતેથી ઝડપ્યો
છેલ્લા ઘણા સમયથી ફરાર રહેલા અને ગુજસીટોક જેવા ગંભીર કાયદા હેઠળ વોન્ટેડ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારીયાને જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે રાજસ્થાનના અજમેરથી ઝડપી પાડ્યો છે. આરોપી પોતાની ધરપકડ ટાળવા માટે રાજ્ય બહાર આશરો લઈ રહ્યો હતો, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે તેને દબોચી લીધો છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે રાજસ્થાનના અજમેર શહેરમાં ધામા નાખ્યા હતા. અજમેરના આદર્શ નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છુપાઈને રહેતા ધીરેન કારીયાને પોલીસે ચોકસાઈપૂર્વક ગોઠવેલી જાળમાં ઝડપી લીધો હતો.
ગુજશી ટોકના આરોપમાં ગુનાહિત ટોળકીના અન્ય સભ્યોની જૂનાગઢ પોલીસે અગાઉ જ ધરપકડ કરી લીધી હતી અને તેમની વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી હતી. માત્ર મુખ્ય સૂત્રધાર ધીરેન કારીયા જ નાસતો-ફરતો હતો, જે હવે પોલીસના સકંજામાં છે.


