ગુજરાતના ૪૪ લાખ મતદારોને ચૂંટણીપંચની નોટીસ : બીએલઓ ઘરે આવીને ચકાસણી કરશે

ગુજરાતના ૪૪ લાખ મતદારોને ચૂંટણીપંચની નોટીસ : બીએલઓ ઘરે આવીને ચકાસણી કરશે

(બ્યુરો)         ગાંધીનગર તા.૦૭ :
ગુજરાતમાં ‘સર‘ની પ્રક્રિયામાં હવે વધુ એક વખત બીએલઓ તમારા દ્વારે ટકોરા મારી શકે છે. તમો એકલા જ નહી હો. ગુજરાતના ૪૪ લાખ લોકોના નિવાસે પંચના નિયુક્ત કરેલા બુથ લેવલના અધિકારી જશે. આ એવા લોકો છે જેઓએ મતદાર યાદીના ગહન પુનનિરીક્ષણ (સર)ની કાર્યવાહી સમયે પોતાના જે ફોર્મ ભર્યા છે તેમાં માહિતીમાં વિસંવાદીતા છે અને તેથી તેની ખરાઈ કરવા ચુંટણી પંચના અધિકારીઓ આવશે.
ચુંટણી પંચના સૂત્રોના જણાવ્યા મુજબ ૪૪ લાખ લોકોને આ પ્રકારે નોટીસ પાઠવવામાં આવી છે તેમાં મોટા ભાગના શહેરી ક્ષેત્રના છે અને હવે આખરી યાદી પ્રસિદ્ધ કરતા પુર્વે આ નામોની ખરાઈ થશે અને ચુંટણીપંચને સંતોષ થશે તો જે તે નામ મતદાર યાદીમાં આવશે. આમ પંચે જે ‘સર‘ની પ્રક્રિયા શરૂ કરી છે તેનો છેલ્લો અને મહત્વપૂર્ણ તબકકો હવે શરૂ થાય છે. ચૂટણી પંચના ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ આ પ્રકારે નોટીસ મેળવવામાં અમદાવાદના ૯.૧૪ લાખ ‘મતદારો‘ છે.
જેમાં મુખ્ય બાબત એ છે કે, જેઓએ ૨૦૦૨ની મતદાર યાદીમાં તેમના માતા-પિતાના નામ હોય તે નિશ્ચીત કર્યુ નથી. નોટીસ કહે છે કે તેઓએ તમારી કે તમારા સંબંધ (માતા-પિતા) ની ૨૦૦૨ની મતદાર યાદીમાં નામ હોવા અંગેની માહિતી શામેલ નથી. ૨૦૦૨માં આ પ્રકારની ‘સર‘ની કવાયત યોજાઈ હતી તેથી તેને આધાર બનાવાયો છે.