વેરાવળ મર્કન્ટાઇલ બેંકની 55 મી સાધારણ સભામાં રૂ.8.51 કરોડનો નફો સાથે સભાસદોને 12 ટકા ડિવિડન્ડની જાહેરાત થઈ

બેંકની ડિપોઝિટ 1 હજાર કરોડ પાર કરવાના લક્ષ્ય સાથે આગળનું વિઝન રજુ કર્યુ 

વેરાવળ મર્કન્ટાઇલ બેંકની 55 મી સાધારણ સભામાં રૂ.8.51 કરોડનો નફો સાથે સભાસદોને 12 ટકા ડિવિડન્ડની જાહેરાત થઈ

(રાકેશ પરડવા દ્વારા) - વેરાવળ, તા.15
વેરાવળના કોમ્યુનિટી હોલ ખાતે ધી વેરાવળ મર્કન્ટાઇલ કો-ઓપરેટિવ બેંકની 55મી વાર્ષિક સાધારણ સભા ભવ્ય રીતે યોજાઈ હતી. બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં સભાસદોની ઉપસ્થિતિમાં યોજાયેલી સાધારણ સભામાં ઉત્સાહ અને ગૌરવના માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી. બેંકની સતત પ્રગતિ, નાણાકીય મજબૂતી અને ભવિષ્યના વિકાસલક્ષી આયોજન અંગે સભાસદોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ સભાને સંબોધતા બેંકના ચેરમેન ઉર્મિલાબેન નવીનભાઈ શાહ, વાઈસ ચેરમેન સુરેશભાઈ કંપાણી, સીઈઓ અતુલ શાહે જણાવ્યું હતું કે, 31 માર્ચ, 2026 ની સ્થિતિએ બેંકએ રૂ.8.51 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. આ ઉત્કૃષ્ટ નાણાકીય પરિણામોને ધ્યાનમાં રાખી સભાસદો માટે 12 ટકા ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત થતાં જ સભાખંડમાં હાજર સભાસદોએ તાળીઓના ગડગડાટ સાથે આવકારી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેંકની કુલ ડિપોઝિટ રૂ. 985 કરોડ સુધી પહોંચી છે. જે બેંક પ્રત્યે ગ્રાહકો અને સભાસદોના વધતા વિશ્વાસનું પ્રતિબિંબ છે. આગામી સમયમાં ડિપોઝિટનો આંકડો રૂ.1 હજાર કરોડને પાર પહોંચાડવાનો સંકલ્પ બેંક દ્વારા લેવામાં આવ્યો છે. આ સાથે જ બેંકને ‘શેડ્યૂલ બેન્ક’નો દરજ્જો પ્રાપ્ત થાય તે માટે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા સમગ્ર બેંક પરિવાર સતત પ્રયત્નશીલ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
બેંકની ધિરાણ પ્રવૃત્તિ અંગે માહિતી આપતાં જણાવાયું હતું કે 31 માર્ચ, 2026ની સ્થિતિએ કુલ ધિરાણ રૂ.606 કરોડ સુધી પહોંચ્યું છે. ખાસ નોંધપાત્ર બાબત એ છે કે બેંકનું એનપીએ (નોન-પરફોર્મિંગ એસેટ) માત્ર 0.59 ટકા છે. જે બેંકના સશક્ત નાણાકીય સંચાલન અને ગુણવત્તાસભર લોન પોર્ટફોલિયોની સાબિતી આપે છે. હાલ બેંક 15 શાખાઓના વિશાળ નેટવર્ક દ્વારા ગ્રાહકોને સેવા આપી રહી છે. વાર્ષિક સાધારણ સભા દરમ્યાન બેંકની સફળતામાં સભાસદોના અમૂલ્ય યોગદાનની પણ પ્રશંસા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે વિવિધ ક્ષેત્રોમાં તેજસ્વી પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને વિશેષ ગિફ્ટ અર્પણ કરી અભ્યાસ અને કારકિર્દીમાં વધુ સફળતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
બેંકની સતત પ્રગતિ, મજબૂત નાણાકીય સ્થિતિ અને ભવિષ્યદ્રષ્ટિપૂર્ણ આયોજનને કારણે સભાસદોમાં નવી આશા અને વિશ્વાસનો સંચાર થયો હતો. 55 મી વાર્ષિક સાધારણ સભા બેન્કના વિકાસના નવા અધ્યાયની સાક્ષી બની રહી હતી.