
ગુજરાત અને દેશમાંથી મોટાપાયે ઝીંગા ફીશનું અમેરીકામાં એક્ષપોર્ટ થતું હોવાથી ટેરીફ ટેરરની ગંભીર અસર થવાની શકયતા
ટેરીફ ટેરરના પગલે ગુજરાતમાંથી 300 કરોડનું ફીશ એક્ષપોર્ટ ઠપ્પ થવાની પરિસ્થિતિ સર્જાતા ફીશ એક્ષપોર્ટરો મુશ્કેલીમાં
રાકેશ પરડવા દ્વારા - વેરાવળ, તા.15

જગદીશ ફોફંડી
અમેરિકા દ્વારા ભારત ઉપર 50 % ટેરીફ લગાવવામાં આવ્યો છે. જેના પગલે દેશના અનેક ઉદ્યોગોને તેની અસરો વર્તાવવાનું આંકલન થઈ રહ્યુ છે. આ ટેરીફથી દેશના પ્રભાવિત થનાર ઉદ્યોગને બચાવવા કેન્દ્ર સરકાર કામગીરી કરી રહી છે. ત્યારે અમેરીકાના ટેરીફ એટેકથી દેશને કરોડોનું વિદેશી હૂંડિયામણ રળી આપતા સીફુડ એક્ષપોર્ટ ઉદ્યોગને મોટો મરણતોલ ફટકો પડવાની શરૂઆત થઈ છે. કેમ કે ભારતમાંથી ઝીંગા ફીશનું એક્ષપોર્ટ સૌથી વધુ અમેરીકામાં થતુ હોવાથી તેની સૌથી વધારે અસર સીફુડ એક્ષપોર્ટને થશે. તેના કારણે ગુજરાતના 18 લાખ સહિત દેશભરના 3 કરોડ માછીમારોની રોજગારી ઉપર સીધા સંકટનાં વાદળો ઘેરાયા છે. હાલ ગુજરાતમાંથી જ ફીશનું રૂ.300 કરોડનું એક્ષપોર્ટ ઠપ્પ જેવી પરિસ્થિતિ સર્જાય હોવાનો દાવો ફીશ એક્ષપોર્ટ કરતા ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે.

કેતન સુયાણી
હાલ મત્સ્યોદ્યોગ ઉપર ઘેરાયેલા સંકટની પરિસ્થિતિ અંગે સી ફુડસ એક્ષપોર્ટર્સ એસો.ઓફ ઇન્ડિયાના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ફોફંડીના જણાવ્યા મુજબ ભારતના કુલ 7.4 બિલિયન ડોલર એટલે કે 65 હજાર કરોડના ફીશ એક્ષપોર્ટમાં ઝીંગાનું 70 ટકાનું કોન્ટ્રિબ્યુશન છે. તેમાંથી 40 ટકા જેટલું (22 હજાર કરોડનું) એક્ષપોર્ટ માત્ર અમેરીકામાં જ થાય છે. ત્યારે હાલ અમેરિકા દ્વારા ભારત દેશ ઉપર 50 ટકા ટેરીફ લાગુ કરાતા એન્ટી ડમ્પિંગ અને કાઉન્ટર વેલિંગ ડ્યૂટી સાથે મળીને કુલ 57 થી 58 ટકા સુધીનો ભાર આવ્યો છે. ટેરીફ વોરની શરૂઆતમાં 25 ટકાનો વધારો ખરીદદારો સ્વીકારતા હતા પરંતુ વધારાના ટેકસના કારણે લાંબા ગાળાના ઓર્ડર રદ થઈ રહ્યા છે. વાર્ષિક 100 જેટલા કન્ટેનરોના થવા જોઈતા કરારો પણ ટેરીફના લીધે અટકી ગયા છે. જેથી ફીશ એક્ષપોર્ટ કરતા વ્યવસાયકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં રાજ્ય સરકારો પહેલેથી જ માછીમારો અને એકવા ફાર્મસો માટે રાહત યોજનાઓ અમલમાં લાવી છે. તેવી જ રીતે ગુજરાતના મત્સ્યોદ્યોગ ઉદ્યોગને રાહત આપવા રાજ્ય સરકાર વીજળી ડ્યુટીમાં રાહત, ટેક્સ ઘટાડો અને જરૂરી ફાઈનાન્સ આપવાની યોજના લાવે તે જરૂરી છે. આ માટે મત્સ્યોદ્યોગના આગેવાનો સરકાર સમક્ષ માંગણી પણ કરી રહ્યા છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર કોસ્ટ ઓફ ફાયનાન્સમાં ઈંટ્રેસ્ટ સબમેશન જે અત્યાર સુધી આપતી હતી તે ફરી શરૂ કરે તે જરૂરી છે.
તો આ ઉદ્દભવેલ પરિસ્થિતિ અંગે સીફુડ એક્ષપોર્ટ ગુજરાત રીજીયનના પ્રમુખ કેતન સૂયાણીએ જણાવેલ કે, અમેરીકાના ટેરીફ ટેરરથી ગુજરાતમાંથી અમેરીકામાં થતુ રૂ.300 કરોડનું ફીશ એક્ષપોર્ટ હાલ ઠપ્પ થઈ ગયું છે. જેની સીધી અસર માછીમારો અને મત્સ્યોદ્યોગ વ્યવસાય ઉપર થશે. ત્યારે ગુજરાતમાં અંદાજે 15 થી 17 લાખ લોકો સીધા માછીમારી સાથે જોડાયેલા છે જ્યારે 6 થી 7 લાખ લોકો પરોક્ષ રીતે સંકળાયેલા છે. દરિયાકાંઠે 20 હજાર મોટી ટ્રોલર બોટો અને 50 હજાર જેટલી નાની-મોટી હોડીઓ કાર્યરત છે. ઉપરાંત 3 થી 3.5 હજાર માછલી ફાર્મ થકી હજારો લોકો રોજગારી મેળવે છે. આમ, કુલ મળીને 17 થી 18 લાખ લોકોના જીવન પર આ ટેરીફ સંકટનો સીધો પ્રહાર થવાથી આગામી દિવસોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાશે. ત્યારે ટેરીફ ટેરરથી મત્સ્યોદ્યોગ અને માછીમારોને બચાવવા કેન્દ્ર અને રાજ્ય સરકાર કાર્યવાહી કરે તે જરૂરી છે.
અમેરીકાના ટેરીફ ટેરરથી ભારતીય સીફુડસ એક્ષપોર્ટને મોટો ફટકો પડવાની શરૂઆત થઈ છે. આ સમયે જો રાજ્ય અને કેન્દ્ર સરકાર તાત્કાલિક પગલાં નહીં ભરે તો આ સંકટમાં ગુજરાત સહિત દેશના લાખો માછીમારો અને તેમના પરિવારોને જીવન-જરૂરિયાતો પુરા કરવા ભારે સંઘર્ષ કરવો પડી શકે હોવાનું અનુમાન જાણકારો વ્યક્ત કરી રહ્યા છે.