ઈશિતા દત્તાનું ૧૫ કિલો વજન ઘટવા પાછળનું ચોંકાવનારું કારણ, ડાયટ કે વર્કઆઉટ નહીં પણ ગંભીર બીમારી જવાબદાર

દીકરીના જન્મ બાદ ગોલબ્લેડરની સર્જરી કરાવવી પડી હતી; અભિનેત્રીએ કહ્યું, તે સમયે વજન ઘટાડવા નહીં પરંતુ વધારવા માગતી હતી

ઈશિતા દત્તાનું ૧૫ કિલો વજન ઘટવા પાછળનું ચોંકાવનારું કારણ, ડાયટ કે વર્કઆઉટ નહીં પણ ગંભીર બીમારી જવાબદાર

મુંબઈ, તા. ૪
તાજેતરમાં ફિલ્મ 'દૃશ્યમ-૩'ને લઈને ચાલી રહેલી ચર્ચા વચ્ચે ફિલ્મમાં અજય દેવગનની મોટી દીકરીનું પાત્ર ભજવનાર અભિનેત્રી ઈશિતા દત્તા પણ પોતાના વજનમાં આવેલા મોટા ફેરફારને કારણે ચર્ચામાં છે. બે બાળકોના જન્મ બાદ તેમનું વજન ઝડપથી ઘટતાં અનેક લોકોના મનમાં સવાલ ઊભો થયો હતો કે તેમણે આટલા ઓછા સમયમાં લગભગ ૧૫ કિલો વજન કેવી રીતે ઘટાડ્યું? હવે અભિનેત્રીએ પોતે જ આ પાછળનું સાચું કારણ જણાવ્યું છે. ઈશિતાના જણાવ્યા અનુસાર, તેમનું વજન કોઈ ખાસ ડાયટ કે વર્કઆઉટને કારણે નહીં, પરંતુ ગંભીર બીમારી અને ગોલબ્લેડરની સર્જરીને કારણે ઘટ્યું હતું.
તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની હેલ્થ જર્ની વિશે વાત કરતાં ઈશિતા દત્તાએ જણાવ્યું હતું કે ૧૦ જૂન, ૨૦૨૫ના રોજ દીકરી વેદાના જન્મ બાદ બે મહિનાથી પણ ઓછા સમયમાં તેમનું લગભગ ૧૫ કિલો વજન ઘટી ગયું હતું. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ કોઈ ફિટનેસ પ્લાનનું પરિણામ નહોતું. તે સમયે તેઓ ગંભીર રીતે બીમાર હતાં અને ડૉક્ટરોએ તેમના ગોલબ્લેડરની સર્જરી કરવી પડી હતી. આ સર્જરી દરમિયાન તેમના શરીરમાંથી ગોલબ્લેડર કાઢી નાખવામાં આવ્યું હતું.
ઈશિતાએ જણાવ્યું કે બીજી પ્રેગ્નેન્સીના છઠ્ઠા મહિનાથી જ તેમને પ્રીમેચ્યોર ડિલિવરીનું જોખમ હતું. આ કારણે ડૉક્ટરોએ તેમને સંપૂર્ણ બેડરેસ્ટની સલાહ આપી હતી. આ દરમિયાન તેમને પેટમાં અસહ્ય દુખાવો શરૂ થયો હતો. દુખાવો એટલો ગંભીર હતો કે બે-ત્રણ વખત તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમના ગોલબ્લેડરમાં પથરી હતી.
જોકે, પ્રેગ્નેન્સીને કારણે તાત્કાલિક સર્જરી કરવી શક્ય નહોતી. ઈશિતાના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન તેમને વધુ અસરકારક પેઇનકિલર પણ આપી શકાય તેમ નહોતાં. જ્યારે પણ દુખાવો વધી જતો ત્યારે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતાં હતાં, પરંતુ તે સમયે ડૉક્ટરો પાસે સારવારના વિકલ્પો મર્યાદિત હતા.
અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તે સમયે તેમનું શરીર ખૂબ નબળું પડી ગયું હતું. તેઓ વજન ઘટાડવા કરતાં ફરીથી સ્વસ્થ થવા અને વજન વધારવા માગતાં હતાં. તેમના માટે ફિટ દેખાવા કરતાં સ્વસ્થ રહેવું વધુ મહત્ત્વનું હતું. તેમણે મહિલાઓને ડિલિવરી બાદ તરત જ વજન ઘટાડવાનું દબાણ ન લેવા પણ અપીલ કરી હતી. બાળકના જન્મ બાદ માતાના શરીરને પૂરતો આરામ અને સાજા થવા માટે સમય આપવો જરૂરી છે, નહીં કે તરત જ અગાઉના શરીરના બાંધામાં પાછા ફરવાની અપેક્ષા રાખવી.
ઈશિતાએ પોતાની પહેલી પ્રેગ્નેન્સીનો અનુભવ પણ શેર કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, દીકરા વાયુના જન્મ બાદ તેઓ લગભગ એકથી દોઢ વર્ષ સુધી જિમ ગયાં નહોતાં અને વજન ઘટાડવા અંગે પણ વિચાર્યું નહોતું. તે સમય દરમિયાન તેઓ માતૃત્વની સફરને માણી રહ્યાં હતાં. તેમના માટે બાળકના જન્મ બાદ વજન ઘટાડવા કરતાં માતા બનવાનો અનુભવ વધુ મહત્ત્વનો હતો.