'માલામાલ વીકલી ૨'ને મળ્યા નવા ડિરેક્ટર, પ્રિયદર્શન અને રિતેશ દેશમુખે છોડી ફિલ્મ
૨૦૦૬ની હિટ કોમેડી ફિલ્મની સિક્વલનું નિર્દેશન હવે અમિત જોશી સંભાળશે; 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા'ના સહ-નિર્દેશકને મળી જવાબદારી
મુંબઈ, તા. ૪
વર્ષ ૨૦૦૬માં રિલીઝ થયેલી લોકપ્રિય કોમેડી ફિલ્મ 'માલામાલ વીકલી'ની સિક્વલ 'માલામાલ વીકલી ૨'ને હવે નવા નિર્દેશક મળ્યા છે. આ ફિલ્મ સાથે અગાઉ જોડાયેલા નિર્દેશક પ્રિયદર્શન અને અભિનેતા રિતેશ દેશમુખે પ્રોજેક્ટ છોડી દીધો છે. હવે ફિલ્મના નિર્દેશનની જવાબદારી અમિત જોશીને સોંપવામાં આવી છે.
મૂળ ફિલ્મનું નિર્દેશન કરનારા પ્રિયદર્શને સ્પષ્ટતા કરી છે કે તેઓ આ સિક્વલ બનાવી રહ્યા નથી. તેમણે જણાવ્યું હતું કે, તેમણે હવે કોઈ સિક્વલનું નિર્દેશન નહીં કરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, રિતેશ દેશમુખ પણ આ પ્રોજેક્ટમાંથી બહાર થયા હોવાના અહેવાલ છે.
અમિત જોશી અગાઉ શાહિદ કપૂર અને ક્રિતી સેનન અભિનીત ફિલ્મ 'તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા'ના સહ-નિર્દેશક તરીકે કામ કરી ચૂક્યા છે. હવે તેઓ 'માલામાલ વીકલી ૨'નું નિર્દેશન સંભાળશે. ફિલ્મના અન્ય કલાકારોનાં નામ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૦૬માં આવેલી 'માલામાલ વીકલી' વર્ષ ૧૯૯૮ની કોમેડી ફિલ્મ 'વેકિંગ નેડ' પરથી પ્રેરિત હતી અને બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. આ ફિલ્મની વિવિધ ભાષાઓમાં રીમેક પણ બની હતી. વર્ષ ૨૦૦૯માં તેલુગુમાં 'ભાગ્યલક્ષ્મી બમ્પર', વર્ષ ૨૦૧૨માં કન્નડમાં 'ડાકોટા પિક્ચર' અને વર્ષ ૨૦૧૪માં મલયાલમમાં 'અમાયુમ મુયાલુમ' નામે તેનું રૂપાંતર કરવામાં આવ્યું હતું. મલયાલમ રીમેકનું નિર્દેશન પણ પ્રિયદર્શને જ કર્યું હતું.


