ટીવીને ‘ડસ્ટબિન મીડિયમ’ ગણાવતા રોહિત રોયનું નિવેદન ચર્ચામાં, ફિલ્મ કલાકારોની ‘સ્ટાઈલ અને ક્લાસ’ની કરી વાત

‘સ્વાભિમાન’થી ઓળખ મેળવનારા અભિનેતાએ ફિલ્મ અને ટીવી કલાકારોના જાહેર વર્તનની કરી સરખામણી; પાપારાઝી સામે ગ્રેસ અને ડિગ્નિટી જાળવવા પર મૂક્યો ભાર

ટીવીને ‘ડસ્ટબિન મીડિયમ’ ગણાવતા રોહિત રોયનું નિવેદન ચર્ચામાં, ફિલ્મ કલાકારોની ‘સ્ટાઈલ અને ક્લાસ’ની કરી વાત

મુંબઈ, તા.૧૬
૧૯૯૦ના દાયકાની દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ ‘સ્વાભિમાન’થી ઓળખ મેળવનારા અભિનેતા રોહિત રોયે ટેલિવિઝન અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી વચ્ચેના તફાવત અંગે કરેલી ટિપ્પણી ચર્ચામાં આવી છે. વર્ષોથી ટેલિવિઝન સાથે જોડાયેલા રોહિતે બંને માધ્યમના કલાકારોના જાહેર વર્તન અને પોતાની છબી રજૂ કરવાની રીત અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતાં ટેલિવિઝનને ‘ડસ્ટબિન મીડિયમ’ ગણાવ્યું હતું.
એક યુટ્યુબ ચેનલ સાથેની વાતચીત દરમિયાન રોહિતને મનોરંજન જગતમાં ટેલિવિઝન કલાકારોને ફિલ્મ કલાકારો કરતાં નીચા ગણવાની માનસિકતા અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેના જવાબમાં રોહિતે ફિલ્મ કલાકારો, ખાસ કરીને સ્ટાર્સના જાહેર દેખાવ અને બોડી લેંગ્વેજનો ઉલ્લેખ કર્યો હતો.
રોહિતના મતે ફિલ્મ કલાકારો જ્યારે જાહેરમાં આવે છે ત્યારે તેમની પોતાની એક ચોક્કસ છબી જોવા મળે છે. તેમના દેખાવ અને વર્તનમાં ગ્રેસ, ગૌરવ, સ્ટાઈલ અને ક્લાસ જાળવવાનો પ્રયાસ જોવા મળતો હોવાનું તેણે જણાવ્યું હતું. બીજી તરફ ટીવી કલાકારોના મેળાવડામાં ક્યારેક આ બાબતે અલગ પ્રકારનું વાતાવરણ જોવા મળતું હોવાનો અભિપ્રાય તેણે વ્યક્ત કર્યો હતો.
પાપારાઝીની હાજરીમાં કલાકારોના વર્તન અંગે પણ રોહિતે વાત કરી હતી. તેના મતે કેમેરા સામે કે જાહેર સ્થળે કલાકારોએ પોતાની ભાષા, બોડી લેંગ્વેજ અને વર્તનનું ધ્યાન રાખવું જોઈએ. જાહેર જીવનમાં રહેલા કલાકાર માટે ગ્રેસ અને ડિગ્નિટી જાળવવી મહત્વપૂર્ણ હોવાનું તેણે કહ્યું હતું.
ફિલ્મ અને ટેલિવિઝનના લાંબા ગાળાના પ્રભાવ અંગે વાત કરતાં રોહિતે સિનેમાને કલાકારની ઓળખ બનાવતું માધ્યમ ગણાવ્યું હતું. આ જ વાતચીત દરમિયાન તેણે ટેલિવિઝન માટે ‘ડસ્ટબિન મીડિયમ’ શબ્દપ્રયોગ કર્યો હતો. ટેલિવિઝનમાંથી જ ઓળખ મેળવનારા અભિનેતાની આ ટિપ્પણી તેના વ્યક્તિગત અભિપ્રાય તરીકે સામે આવી છે.
રોહિત રોયે ૧૯૯૦ના દાયકામાં ‘સ્વાભિમાન’ દ્વારા ટેલિવિઝન પર નોંધપાત્ર ઓળખ મેળવી હતી. હવે વર્ષો સુધી ટીવી અને ફિલ્મ બંને માધ્યમમાં કામ કર્યા બાદ બંને ઇન્ડસ્ટ્રીના કલાકારોની જાહેર છબી અંગે વ્યક્ત કરેલા તેના વિચારો ચર્ચાનું કારણ બન્યા છે.