કાસાબાડ ગામે આકાશી વીજળીનો કહેર પશુપાલક અને ભેંસનું કરૂણ મોત
નવા તળાવના પાળા પાસે વીજળી પડતાં ૫૦ વર્ષીય વિનુભાઈ ઓડેદરા અને ભેંસનું ઘટના સ્થળે જ મોત : ગામમાં શોકનો માહોલ
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.૧૬
પોરબંદર જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી હેત વરસાવવાનું શરૂ કરતાં જગતાત સહિત આમજનતામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે કુતિયાણા તાલુકાના કાસાબાડ ગામે વરસાદની ખુશીને આકાશી વીજળીના કરૂણ બનાવે માતમમાં ફેરવી દીધી હતી. ગામમાં આકાશી વીજળી પડતાં એક પશુપાલક અને તેની ભેંસનું કરૂણ મોત નીપજતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ છે. પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ કાસાબાડ ગામના આશરે ૫૦ વર્ષીય વિનુભાઈ મેરામણભાઈ ઓડેદરા પશુપાલનનો વ્યવસાય કરતા હતા. તેઓ ગઈ કાલે સવારે પોતાની ભેંસને ચરાવવા માટે સીમ વિસ્તારમાં ગયા હતા. દરમિયાન દિવસ દરમિયાન કાસાબાડ સહિત સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છવાયેલું હતું અને વરસાદી માહોલ સર્જાયો હતો. બપોર બાદ આશરે ૩:૩૦ વાગ્યાના અરસામાં વિનુભાઈ પોતાની ભેંસને લઈને સીમમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. તેઓ ગામના નવા તળાવના પાળા પાસે પહોંચ્યા ત્યારે અચાનક વીજળીના ચમકારા સાથે આકાશી વીજળી ત્રાટકી હતી. આકાશી વીજળીની ઝપટમાં વિનુભાઈ તેમજ તેમની ભેંસ આવી જતાં બંનેના કરૂણ મોત નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાં કાસાબાડ ગામના સરપંચ રાજુભાઈ તથા તલાટી-મંત્રી પ્રકાશભાઈ ભૂતિયા સહિતના આગેવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. બનાવ અંગે સંબંધિત તંત્રને જાણ કરી મૃતક વિનુભાઈના મૃતદેહને કુતિયાણા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન આ બનાવ અંગે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતાં પોલીસે મૃતકના પુત્રના નિવેદનના આધારે અકસ્મિક મોત અંગે જાણવા જોગ નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. લાંબા સમય બાદ વરસેલા વરસાદ વચ્ચે બનેલી આ કરૂણ દુર્ઘટનાથી કાસાબાડ ગામ તેમજ આસપાસના વિસ્તારોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


