સિંહોના મોત મામલે સમગ્ર વન વિભાગ હાઈ-એલર્ટ : વરિષ્ઠ અધિકારીઓના ગીરમા ધામા

સિંહોના મોત મામલે સમગ્ર વન વિભાગ હાઈ-એલર્ટ : વરિષ્ઠ અધિકારીઓના ગીરમા ધામા

અમરેલી તા.30
ગીર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સિંહોના વધતા મૃત્યુ બાદ વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડ પર આવી ગયું છે. રાજ્યના વરિષ્ઠ વન અધિકારી અને પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) ભવાની પતી છેલ્લા ત્રણ દિવસથી ગીરમાં જ કેમ્પ કરી રહ્યા છે. તેઓ પરિસ્થિતિનું સીધું સ્થળ પર નિરીક્ષણ કરી રહ્યા છે. 
PCCF ભવાની પતી મોડી રાતથી વહેલી સવાર સુધી અને દિવસભર સતત ફિલ્ડમાં દોડધામ કરી રહ્યા છે. રાજુલા તાલુકાના પીપાવાવ અને ભેરાઈ વીડી વિસ્તાર સુધી તેમણે રાત્રિ અને વહેલી સવારે ફિલ્ડ વિઝિટ કરી હતી. તેઓ સિંહબાળ સાથેના ગ્રુપનું જાતે નિરીક્ષણ કરીને તેમની હેલ્થ અને મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે.
ગીર પૂર્વમાં થયેલા સિંહોના મોત બાદ પ્રથમવખત PCCF પોતે મેદાનમાં ઉતરતા સમગ્ર વિભાગમાં ગંભીરતા વધી છે. તમામ રેન્જમાં ફોરેસ્ટ સ્ટાફ, ટ્રેકર્સ અને એનિમલ કેર ટીમોને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે.