PF માટે બેઝિક સેલરી લિમિટ રૂ.15 હજારથી વધારી રૂ.25 હજાર, 51 લાખથી વધુ કર્મચારીઓને મળશે લાભ
12 વર્ષ બાદ EPF-EPSની વેતન મર્યાદામાં ફેરફાર; Basic + DA રૂ.25 હજાર સુધી હોય તો PF કવરેજ ફરજિયાત, કર્મચારીઓની નિવૃત્તિ બચતમાં થશે વધારો
નવી દિલ્હી તા.16
કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓની સામાજિક સુરક્ષા સાથે જોડાયેલો મહત્વપૂર્ણ નિર્ણય લેતાં EPF અને EPS માટેની ફરજિયાત વેતન મર્યાદા રૂ.15,000થી વધારીને રૂ.25,000 પ્રતિ મહિના કરી છે. આ ફેરફાર બાદ Basic Salary અને મોંઘવારી ભથ્થું એટલે કે DA મળીને રૂ.25,000 સુધીની રકમ મેળવનારા કર્મચારીઓને PFના દાયરામાં સામેલ કરવા કંપનીઓ માટે ફરજિયાત બનશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કેબિનેટ બેઠક બાદ આપેલી માહિતી મુજબ આ નિર્ણયથી 51 લાખથી વધુ કર્મચારીઓને PF બચત અને પેન્શનનો લાભ મળવાની અપેક્ષા છે. અગાઉ ફરજિયાત EPF કવરેજ માટેની વેતન મર્યાદા રૂ.15,000 હતી. લગભગ 12 વર્ષ બાદ તેમાં વધારો કરીને રૂ.25,000 કરવામાં આવ્યો છે.
નવા નિયમને સરળ રીતે સમજીએ તો કોઈ કર્મચારીનું Basic Salary અને DA મળીને રૂ.25,000 કે તેનાથી ઓછું હોય તો તેને EPFમાં સામેલ કરવો ફરજિયાત રહેશે. અહીં ખાસ ધ્યાન રાખવું જરૂરી છે કે રૂ.25,000ની મર્યાદા સંપૂર્ણ CTC કે ગ્રોસ સેલરીને બદલે મુખ્યત્વે Basic Salary અને DAના આધારે ગણવામાં આવશે.
ઉદાહરણ તરીકે કોઈ કર્મચારીનું Basic + DA રૂ.12,000 હોય તો 12 ટકા પ્રમાણે કર્મચારીના પગારમાંથી રૂ.1,440 EPF યોગદાન જશે અને નિયોક્તા પણ લાગુ નિયમો અનુસાર પોતાનું યોગદાન આપશે. જો Basic + DA બરાબર રૂ.25,000 હોય તો કર્મચારીનું 12 ટકા યોગદાન રૂ.3,000 થશે.
બીજી તરફ કોઈ વ્યક્તિ પહેલી વખત નોકરીમાં જોડાઈ રહી હોય, અગાઉ EPF સભ્ય ન હોય અને તેનું Basic + DA રૂ.40,000 હોય તો ફરજિયાત કવરેજની રૂ.25,000ની મર્યાદાથી ઉપર હોવાને કારણે તેને EPFમાં સામેલ કરવું ફરજિયાત નહીં રહે. જોકે કર્મચારી અને નિયોક્તા બંનેની સંમતિથી EPFનો વિકલ્પ અપનાવી શકાય છે.
જે કર્મચારીઓ પહેલેથી EPFના સભ્ય છે તેમના માટે પણ સભ્યપદ ચાલુ રહેવાની જોગવાઈ મહત્વપૂર્ણ છે. એટલે કે કોઈ કર્મચારી અગાઉ ઓછા પગારના કારણે EPF સભ્ય બન્યો હોય અને બાદમાં પ્રમોશન કે પગારવધારાથી તેનું Basic + DA રૂ.25,000થી વધી જાય, તો માત્ર પગાર વધવાને કારણે તેનું EPF સભ્યપદ બંધ નહીં થાય.
વેતન મર્યાદામાં થયેલા આ વધારાથી વધુ કર્મચારીઓ સંગઠિત સામાજિક સુરક્ષા વ્યવસ્થાના દાયરામાં આવશે. નિયમિત PF યોગદાનને કારણે તેમની લાંબા ગાળાની બચત વધવાની સાથે નિવૃત્તિ સમયે મોટું ફંડ ઊભું કરવામાં પણ મદદ મળી શકે છે.


