ભારત રશિયા પાસેથી ઓઈલ ખરીદવાનું ચાલુ રાખશે : અમેરીકાને જે કરવું હોય તે કરે
ભારત તમામ નિર્ણયો દેશના ૧૪૦ કરોડ નાગરીકોના હીતમાં રાખીને જ કરે છે : ૧૦૦ ટકા ટેરિફની ભારત પરવાહ નહીં કરે
નવી દિલ્હી તા.૧૬:
રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ (કાચું ઓઇલ) ખરીદતા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવા માટે અમેરિકા કાયદો બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવી રહ્યું છે. જોકે, અમેરિકાની આ ખુલ્લી ધમકી અને દબાણ છતાં ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. ભારતે જાહેરાત કરી છે કે અમેરિકા ભલે ગમે તેટલા કડક નિયમો લાવે, ભારત પોતાના દેશવાસીઓના હિત માટે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ જ રાખશે અને કોઈ પણ દબાણ સામે ઝૂકશે નહીં.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે ભારત પોતાની ઊર્જા જરૂરિયાતો સાથે જોડાયેલા તમામ ર્નિણયો પોતાના ૧૪૦ કરોડ નાગરિકોના હિતોને ધ્યાનમાં રાખીને જ લે છે. ભારત સરકાર આ નીતિ પર આગળ પણ અડગ રહેશે અને અમેરિકાના ટેરિફથી પોતાની ઓઇલ ખરીદીની નીતિમાં કોઈ ફેરફાર કરશે નહીં.
અમેરિકામાં આ કાયદાને ‘લિન્ડસે ગ્રેહામ સેંક્શનિગ રશિયા એન્ડ ઈરાન બિલ‘ નામ આપવામાં આવ્યું છે. અમેરિકન સેનેટમાં ૮૬-૧૧ ની ભારે બહુમતીથી આ બિલ પસાર થઈ ચૂક્યું છે અને ગુરુવારે તેને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (નિચલા ગૃહ) માં વોટિગ માટે લાવવામાં આવશે. આ બિલનો મુખ્ય હેતુ રશિયા પાસેથી સૌથી વધુ ઓઇલ ખરીદતા ભારત અને ચીન જેવા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ ઠોકી બેસાડવાનો છે.


