ગીરનારની પરીક્રમા શરૂ થાય તે પહેલા જ પવિત્ર દામોદર કુંડમા સફાઈ તેમજ ગટરનું ભળતું પાણી અટકાવવા માંગ
જાે આ પ્રશ્નનો નિકાલ નહી કરવામાં આવે તો સાધુ-સંતોને સાથે રાખી આંદોલન થશે
જૂનાગઢ તા. ર૯
જૂનાગઢ નજીક આવેલા ગરવા ગરીનાર ખાતે દર વર્ષે યોજાતી ગીરનારની લીલી પરીક્રમાની તડામાર તૈયારીઓ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છેે. પરીક્રમાના સુચારૂ આયોજન માટે ગઈકાલે જીલ્લા કલેકટર યોગેશ ચૌધરીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક મળી હતી. અને સાધુ-સંતો, સેવાભાવીઓ, ઉતારા મંડળનાં પ્રતિનિધિઓ પાસેથી સુચનો મંગાવવામાં આવ્યા હતાં. અને વિવિધ મુદે રજુઆત થતાં આ તમામ બાબતો ઉપર કાર્યવાહી કરવામાં આવશે તેવો વિશ્વાસ પણ અપાવવામાં આવ્યો હતો. આ વર્ષે સૌથી મોટો પડકાર પાણીની વિકટ પરિસ્થિતિનો છે. અને પાણીના સ્ત્રોતો ઉભા કરવા બાબતે પણ વિચારણા કરવામાં આવી હતી. દરમ્યાન ગઈકાલની બેઠકમાં દામોદર કુંડ બાબતે રજુઆત કરવામાં આવી હતી. અને આ કુંડમાં ગટરનું પાણી ભળે છે જેનો યોગ્ય નિકાલ કરવામાં નહી આવે તો સાધુ-સંતોને સાથે રાખી અને આંદોલન કરવાની ચીમકી ભાજપનાં પૂર્વ કોર્પોરેટર નિર્ભય પુરોહીત દ્વારા કરવામાં આવી હતી. અને પવિત્ર દામોદર કુંડમાં લાખો શ્રધ્ધાળુઓ સ્નાન કરે છે ત્યારે સ્વચ્છ પાણી અંગેની વ્યવસ્થા ગોઠવવા પણ રજુઆત કરવામાં આવી હતી.
જૂનાગઢમાં ભવનાથ તળેટી વિસ્તારનાં જવાના રસ્તા પર આવેલા દામોદર કુંડ લાખો શ્રધ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. આ પવિત્ર કુંડમાં સ્નાન કરવા માત્રથી અનેકગણુ પુણ્યનું ભાથુ જમા થાય છે. વર્ષ દરમ્યાન હજારો ભાવિકો ભવનાથ તિર્થક્ષેત્ર અને ગીરનારની યાત્રાએ આવતા હોય છે. અને આ યાત્રા પૂર્ણ કરી દામોદર કુંડમાં સ્નાન કરે છે. શિવરાત્રીનો મેળો અને પરીક્રમાનાં મેળામાં આવેલા લાખો ભાવિકો પણ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરે છે. હાલ દામોદર કુંડમાં ગટરનું પાણી ભળતું હોવાની ફરીયાદ વ્યકત કરવામાં આવી હતી. કુંડમાં એટલુ બધુ દુષીત પાણી છે કે ચરણામૃત લેવાનું પણ ભાવિકો ટાળી રહયા છે. અધિકારીઓ આ બાબતે મુલાકાત લઈ અને ચરણામત લે તો તેને ખબર પડે કે દામોદર કુંડનું પાણી કેવું છે ! વિશેષમાં દામોદર કુંડનો જે બોર છે તેમાં પણ પાણી ડુકી ગયા છે અને હાલ પાણી દુષિત છે. કુંડ ભરવા માટે પાણીની વ્યવસ્થા કરવાની પણ માંગણી ઉઠવા પામી છે. અને ગટરનું પાણી દામોદર કુંડમાં ભરાય છે તે અંગે તત્કાલ કામગીરી કરવાની માંગણી કરવામાં આવી છે. અને જાે આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ નહી આવે તો સાધુ-સંતોને સાથે રાખીને આંદોલન કરવામાં આવે તેવા નિર્દેશો મળી રહયા છે.



