ચૂંટણીના માત્ર બે કલાક પહેલા અમેરીકાનો ઈરાન પર હુમલો
ઈરાને અમેરીકાનાં બે જાસુસી ડ્રોન તોડી પાડયાનો દાવો કર્યો
(એજન્સી) તેહરાન તા.૦૩
ઈરાનના કેશ્મ દ્વીપ પર સોમવારે ઓછામાં ઓછા પાંચ જોરદાર વિસ્ફોટોના અવાજો સંભળાયા હતા. નજીકના બંદર લેંગેહ શહેરમાં પણ વિસ્ફોટ થયાના અહેવાલ છે. અમેરિકામાં આજે મિડટર્મ ચૂંટણી માટે મતદાન થવાનું છે.
આ દરમ્યાન અમેરિકન અખબાર વૉલ સ્ટ્રીટ જર્નલે અમેરિકન અધિકારીઓને ટાંકીને દાવો કર્યો છે કે અમેરિકાએ કેશ્મ દ્વીપ પર હુમલો કર્યો છે. જોકે, ઈરાની એજન્સીના અહેવાલમાં આ વિસ્ફોટો પાછળ અમેરિકા અથવા ઇઝરાયલનો હાથ હોવાની પુષ્ટિ કરવામાં આવી નથી. ઈરાને દાવો કર્યો છે કે તેણે બે અમેરિકન MQM-170 જાસૂસી ડ્રોન તોડી પાડ્યા છે. કેશ્મ દ્વીપ આશરે ૧,૪૪૫ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો ઈરાનનો સૌથી મોટો દ્વીપ છે.
એક સમયે તે ફ્રી-ટ્રેડ ઝોન અને ટૂરિસ્ટ સ્પોટ માટે જાણીતો હતો, પરંતુ હવે તે એક મોટા સૈન્ય મથકમાં પરિવતિર્ત થઈ ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટના પ્રવેશદ્વાર પર આવેલો આ દ્વીપ વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. અમેરિકા તેને અનેક કારણોસર મોટો સૈન્ય ખતરો માને છે. ભૂગર્ભ સૈન્ય નેટવર્ક: અહેવાલો અનુસાર, કેશ્મ દ્વીપની નીચે સુરંગો અને મીઠાની ગુફાઓનું મોટું નેટવર્ક છે. અહીં ઈરાને દરિયાકાંઠાની મિસાઇલ સિસ્ટમો અને ઝડપી હુમલો કરતી નૌકાઓ છુપાવી રાખી છે.


