સાબરમતી સહિત રાજ્યભરની જેલો, DGP અને કલેક્ટર ઓફિસ, મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તપાસનો ધમધમાટ
(બ્યુરો) અમદાવાદ તા.૦૩
‘૨૦૦૮ને ભૂલશો નહીં, બિગ સરપ્રાઈઝ ફોર ઈન્ડિયન ગવર્નમેન્ટ‘નો ધમકી ભર્યો ઈમેઈલ ગુજરાતની DGP ઓફિસને મળ્યો છે. જે ધમકીભર્યાં મેઈલમાં DGP ઓફિસ ગાંધીનગર, કલેક્ટર ઓફિસ, ૧ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે. ખાલિસ્તાનના નામથી કોઈ અજાણ્યા શખ્સે આ ઈમેલ મોકલ્યો છે. ધમકીભર્યો ઈમેઈલ મળતા જ અમદાવાદની સાબરમતી જેલ સહિત રાજ્યની તમામ જેલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. એ સાથે જ બોમ્બ અને ડોગ સ્ક્વોર્ડની ટીમ પણ જેલમાં તપાસ કરશે. વડોદરામાં સેન્ટ્રલ જેલ પર પોલીસની ટીમ પહોંચી છે. અને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તો આ તરફ રાજકોટને જેલને પણ ધમકી મળી છે.
પાકિસ્તાન જિંદાબાદ અને ખાલિસ્તાન જિંદાબાદની સાથે અલ્લાહુ અકબરનો પણ આ ધમકી ભર્યાં ઈમેઈલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વડોદરા મધ્યસ્થ જેલના સુપ્રિટેન્ડન્ટ ઉષા રાડાએ જણાવ્યું કે, જેલમાં રાવપુરા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને બોમ્બ સ્ક્વોર્ડ અને ડોગ સ્ક્વોર્ડ ટૂંક સમયમાં પહોંચશે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં લોરેન્સ બિશ્નોઈ અને અન્ય આતંકીઓ પણ કેદ છે, ત્યાં બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. જેને લઈ બોમ્બ સ્ક્વોર્ડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.


