અમરેલીમાં ડબલ મર્ડર : ખેતરમાં કાર સાથે યુવક અને સગીરને જીવતા સળગાવી દીધા
લીલીયા તાલુકાનાં ગુંદરણ ગામની સીમમાં બનેલી ઘટનાથી ખળભળાટ : તુફાન પેસેનજર કારમાં સુતેલા બે મજુરોનાં સળગેલા મૃતદેહો મળી આવ્યા
(બ્યુરો) અમરેલી તા.૦૩
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આવેલા ગુંદરણ ગામની સીમમાં એક ચોંકાવનારી અને ર્નિમમ ડબલ મર્ડરની ઘટના સામે આવી છે. સુરેશ બચુભાઈ શિંગાળાની વાડીમાં પાર્ક કરેલી તુફાન ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દેતાં ગાડીમાં સૂતેલા બે મજૂરના અડધા સળગેલા મૃતદેહ મળી આવ્યા હતા. સવારે આ સળગેલી ગાડી અને મૃતદેહો જોતાં જ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. મૃતકના પિતા કમલેશભાઈનો આક્ષેપ છે કે, પૈસાની લેવડદેવડ અને ગાડી રાખવા બાબતે વિનોદે આવીને ગાડીને સળગાવી દીધી. ઘટનાની જાણ થતાં જ લીલીયા પોલીસ અને FSLની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ સળગી ગયેલા બંને મૃતદેહની ઓળખ કરી લીધી છે, જે બંને રવિ કમલેશભાઈ બધેલ (ઉં.૧૬) અને નીતિન રામસિંગ પચાયા (ઉં.૨૧) મધ્યપ્રદેશના જિ.અલી રાજપુરના વતની છે. ડબલ મર્ડરના બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


