દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળના કારણે ખેડૂતલક્ષી મુદ્દે ‘આપ’ દ્વારા તંત્રને રજૂઆતો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દુષ્કાળના કારણે ખેડૂતલક્ષી મુદ્દે ‘આપ’ દ્વારા તંત્રને રજૂઆતો

(પ્રતિનિધિ દ્વારા)
જામ ખંભાળિયા તા.૩
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ત્યારે સરકાર દ્વારા ખેડૂતલક્ષી યોગ્ય પગલાં ન લેવાતા આ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા ગઈકાલે સોમવારે જિલ્લા પ્રશાસનને સવિસ્તૃત લેખિત રજૂઆતો કરવામાં આવી છે. દુષ્કાળ મુદ્દે આમ આદમી પાર્ટી દ્વારા જણાવાયા મુજબ ગુજરાતના ખેડૂતો હાલ દેવું, પાણીની અછત અને ઘાસચારાની અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ ભાગિયાઓ અને ખેતમજૂરોની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિ અને પ્રશ્નોના તાત્કાલિક ઉકેલ માટે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર મારફતે આવેદનપત્ર પાઠવીને જણાવાયું છે કે ખેડૂતોનું દેવું માફ કરવા, ખેડૂતોને રૂ. ૧૭,૦૦૦ કરતાં વધુ પૂરતી આર્થિક સહાય આપવા, દર બે-ત્રણ ગામ વચ્ચે ઘાસના ડેપો શરૂ કરી પશુઓ માટે પૂરતું ઘાસ ઉપલબ્ધ કરાવવા, સૌની યોજના અંતર્ગત શિયાળુ પાક માટે પૂરતું સિંચાઈનું પાણી આપવા તેમજ ભાગિયાઓ અને ખેતમજૂરો માટે વિશેષ આર્થિક સહાય જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીએ સરકારને ખેડૂતો અને ખેતમજૂરોના પ્રશ્નો પ્રત્યે ગંભીરતા દાખવી તાત્કાલિક યોગ્ય ર્નિણય લેવા માંગ કરી છે. જો સરકાર દ્વારા આ માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને લોકશાહી ઢબે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.