ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર : 3 પોઝીટીવ અને 10 શંકાસ્પદ બાળકો સહિત 13ના મોત

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર : 3 પોઝીટીવ અને 10 શંકાસ્પદ બાળકો સહિત 13ના મોત

પંચમહાલ તા.13
ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતાં જ ચાંદીપુરા વાયરસનો આતંક જોવા મળી રહ્યો છે. ગાંધીનગર, સાબરકાંઠા, ખેડા, અરવલ્લી અને પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આ જીવલેણ વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જેના કારણે આરોગ્ય વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.
અત્યાર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના કારણે બાળકોના મોતના સમાચારો સામે આવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 13 બાળકનાં મોત થયા છે. જેમાં 3 પોઝીટીવ અને 10 શંકાસ્પદ બાળકના મોત થયા છે. જ્યારે હાલ વધુ બે પોઝીટિવ બાળક ગાંધીનગર સિવિલમાં દાખલ છે અને અન્ય ૫ાંચ શંકાસ્પદ માસૂમ અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
લેબોરેટરી રિપોર્ટના આધારે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3 બાળકના મોત ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવવાના કારણે થયા છે, જેમાં પંચમહાલના ગોધરા ખાતે રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન વધુ બે બાળકના મોત નિપજ્યાં હતા, જ્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા રાજસ્થાનના 1 બાળકનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા બાદ તેનું મોત થયું હતું.