પોરબંદરમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનાનાં ચાર આરોપીઓ ઝડપાયા

પોરબંદરમાં ગુજસીટોક હેઠળ નોંધાયેલા ગુનાનાં ચાર આરોપીઓ ઝડપાયા

(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.11
પોરબંદર જિલ્લા સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં સંગઠિત રીતે ગંભીર ગુનાઓ આચરતી માથાભારે ટોળકી સામે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાની ટીમે સફળ કામગીરી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ ગત તા.5-5-2026ના રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે મયુર ઉર્ફે મયલો હરદાસભાઈ ઓડેદરા, વિશાલ ઉર્ફે વાકી ડોક નાગાજનભાઈ ગોરાણીયા, માલદે ઉર્ફે જગીરો રામભાઈ કુછડીયા અને રવી કીસાભાઈ મુછાળ સહિતના આરોપીઓ વિરૂદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઇમ એક્ટ-2015 હેઠળ ગુનો નોંધાયો હતો. આરોપીઓએ સંગઠિત ગુનાહિત ટોળકી બનાવી છેલ્લા દસ વર્ષ દરમિયાન પોરબંદર, રાજકોટ, સુરત અને દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, હુમલા, અપહરણ, ગેરકાયદેસર હથિયારો રાખવા, ધાકધમકી અને જાહેર શાંતિ ભંગ જેવા ગંભીર ગુનાઓ આચર્યા હોવાનો આરોપ છે. આ ગંભીર ગુનાના આરોપીઓને ઝડપવા જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સૂચના મુજબ એલ.સી.બી. દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. દરમિયાન એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ત્યારે એ.એસ.આઈ. રણજીતસિંહ દયાતર તથા સ્ટાફને બાતમી મળી હતી કે ગુજસીટોકના આરોપીઓ કાળા રંગની એન્ડેવર કારમાં રાજકોટ-પોરબંદર હાઇવે પરથી નીકળવાના છે. બાતમીના આધારે વણાણા ટોલનાકા નજીક વોચ ગોઠવવામાં આવતા પોલીસે કારને અટકાવી ચારેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ તથા કાર કબજે લઈને આગળની કાર્યવાહી માટે રાણાવાવના નાયબ પોલીસ અધિક્ષકને સોંપ્યા હોવાનું જાણવા મળે છે.